એક મહિના સુધી સમગ્ર ગુજરાતમાં તથા આગામી તા. 1 મે થી 7 મે સુધી Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ વલસાડ જિલ્લાની ૬ તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા મળી કુલ 11 સ્થળ પર થશે. જેમાં વલસાડ જિલ્લાના 5000 થી વધુ યુવાનો સહભાગી થઈ દેશના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમમાં જોડવા માટે મો.નં. ૮૪૦૧૪૦૦૪૦૦ પર ડાયલ કરવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન લિંક આવશે જે ભરીને યુવાનો આ કાર્યક્રમમાં જોડાઈ શકશે. આ કાર્યક્રમ ખુલ્લા મંચ પરથી કરવામાં આવશે. વલસાડ જિલ્લાનો Y-20 Gujarat Talksનો પ્રથમ કાર્યક્રમ તા. ૧ મે ના રોજ વાપી KBS કોલેજ ખાતે યોજાશે. જે ક્રમશ તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં થશે. જિલ્લા કક્ષાનો વિશેષ ગુજરાત સંવાદ કાર્યક્રમ તા. ૬ મે ૨૦૨૩ને શનિવારે વલસાડ જિલ્લાના લોકપ્રિય પર્યટન સ્થળ વિલ્સન હીલ, ધરમપુર ખાતે યોજાશે. Y-20 ગુજરાત સંવાદના દરેક કાર્યક્રમમાં અલગ-અલગ પાંચ વિષયો પર યુવાનો સંવાદ કરશે. દરેક વિસ્તારના કાર્યક્રમના વિષય અલગ રહેશે. જે અંગે ધરમપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ અને જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયાએ માહિતી આપતા જણાવ્યું કે, અલગ અલગ પાંચ વિષયમાં (૧) કાર્યનું ભવિષ્યઃ ઉદ્યોગ ૪.૦, ઈનોવેશન અને ૨૧મી સદીની કુશળતા, (૨) આબોહવા પરિવર્તન અને આપત્તિ જોખમમાં ઘટાડો, સ્થિરતાને જીવનનો માર્ગ બનાવવો, (૩) વહેંચાયેલુ ભવિષ્યઃ લોકશાહી અને શાસનમાં યુવા, (૪) શાંતિ નિર્માણ અને સમાધાનઃ યુધ્ધ ન થવાના યુગની શરૂઆત અને (૫) આરોગ્ય સુખાકારી અને રમત ગમતઃ યુવાનો માટે કાર્યસૂચિ વિષયનો સમાવેશ કરાયો છે. જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવી દેશના વિકાસમાં પોતાના વિચારોનું યોગદાન આપે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
