રાજ્યમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. પરંતુ ગરમી પડવાની જગ્યાએ રાજ્યમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ, સુરત, અમરેલી, કચ્છ સહિતના જિલ્લાઓમાં રવિવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ થતા વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. આથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જ્યારે બીજી તરફ જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.
મળતી માહિતી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રવિવારે અમરેલી, બાબરીધાર, રાજુલા સહિતના વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હોવાના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત 5માં દિવસે કમોસમી વરસાદ થયો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
અમદાવાદ, અમરેલી, સુરત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ
ઉલ્લેખનીય છે કે, રાજ્યના કચ્છ, અંજાર અને ભુજ સહિતના વિસ્તારોમાં સતત 5માં દિવસે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઉનાળાના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માહિતી મજુબ, અમરેલી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત, બર્બટાણા, બાબરીધાર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદની વાત કરીએ તો રવિવારે સાંજના સમયે રાણીપ, થલતેજ, બોપલ, વસ્ત્રાપુર, સિંધુ ભવન રોડ, નરોડા, નિકોલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આથી ઠંડક થતા ગરમીથી લોકોને રાહત મળી છે. રવિવારે સવારે સુરત શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કામરેજ તાલુકામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.