અમદાવાદના પોશ વિસ્તારોમાંથી એક ગણાતા એવા સેટેલાઈટમાં આવેલી એક સોસાયટીમાં પરિણીતાએ તેના સાસુને એક રૂમમાં બંધ કરી પાણી કે જમવાનું આપ્યું ન હતું. આમ સાસુ સાથે પરિણીતા દ્વારા વારંવાર આ રીતે વર્તન થતા સોસાયટીના એક જાગૃત નાગરિકે અભયમ ટીમને જાણ કરી હતી. આથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી પરંતુ, પરિણીતાએ ઘરનો દરવાજો ન ખોલતા તેના પતિને ફોન કરી અને પોલીસ કાર્યવાહી કરવાનું કહેતા અંતે દરવાજો ખોલ્યો હતો. ત્યાર બાદ અભયમની ટીમે વૃદ્ધ સાસુને બહાર કાઢી પરિણીતાનું કાન્સલિંગ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સેટેલાઇટની એક સોસાયટીમાં રહેતા એક જાગૃતિ નાગરિકે અભયમની ટીમને ફોન કરી જાણ કરી હતી કે તેમની પાડોશમાં વહુએ તેમના વૃદ્ધ સાસુને ઘરના રૂમમાં પૂરીને રાખ્યા છે અને સવારથી જમવા કે પાણી પણ આપ્યું નથી. આથી સરખેજની 181 ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો. જો કે, વહુએ દરવાજો ખોલ્યો ન હતો. ત્યાર બાદ તેના પતિને ફોન કરી તે બહારગામ હોવાથી ફોન પર કાઉન્સેલિંગ કરી કાયદાકીય અને પોલીસ ફરિયાદ વિશેની સમજણ આપી હતી. ત્યારબાદ વૃદ્ધાના દીકરાએ તેની પત્નીને ફોન કરીને ઘરનો દરવાજો ખોલાવ્યો હતો.
અભયમની ટીમે વૃદ્ધાને સહી સલામત રૂમની બહાર કાઢી હતી. વૃદ્ધ મહિલા ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેમને સવારથી નાસ્તો કે પાણી આપવામાં આવ્યુ ન હતું. ત્યારે બાદ વૃદ્ધાને ઉન્સેલિંગ કરી પોલીસ ફરિયાદ વિશેની માહિતી આપી હતી. પરંતુ, વૃદ્ધા કોઈ કાર્યવાહી કરવા માટે તૈયાર ન હોવાથી ટીમે દીકરાની વહુ ને સમજાવી હતી કે સાસુ પ્રત્યે તેમની જવાબદારીઓ અને કાયદાકીય સમજણ આપી હતી.