માલપુર ખાતે કોંગ્રેસના કાર્યાલયના ઉદ્ગાટન પ્રસંગે કોંગી આગેવાને પ્રવચન આપતા જણાવ્યું કે, જ્યારે બાપૂ તમે ગયા ત્યારે અમે એકલા પડી ગયા હતા.
વિધાનસભાની ચૂંટણીને લઇને માલપુર-બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે ત્યારે તેમણે શુક્રવારના રોજ માલપુર ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું, આ કાર્યક્રમમાં કોંગી આગેવાનો અને કાર્યકરોએ મહેન્દ્રસિંહ વાઘેલાને આવકાર આપ્યો હતો, જોકે આ પ્રસંગે એક આગેવાને પોતાની વેદના વ્યક્ત કરી હતી, તેમણે જણાવ્યું કે, તમે જે કર્યું તેનાથી કોંગ્રેસના કાર્યકરો નારાજ થયા, દુ:ખી થયા કારણ કે, માલપુરમાં કોંગ્રેસ તો હતી જ નહીં, અમે ભજન કિર્તન કરતા હતા પણ તેમની પાસે ગાયક કલાકાર હતા નહીં, તેમ છતાં તેણે મંડળી એટલે કે, કોંગ્રેસ સાચવી રાખી, તેઓ કોંગ્રેસના સાચા સૈનિક છે અને તેઓ ક્યાંય જવાના નથી અને હવે અમને ગાયક કલાકાર મળી ગયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના વર્તમાન નેતા મહેન્દ્રસિંહ વાઘેલા જે-તે સમયે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને વિધાનસભા 2022 ની ચૂંટણી આવતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસે જશુ પટેલનું પત્તુ કાપી મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસથી બહાર રહી મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં આવતા કોંગી નેતાઓએ ખુશી તો વ્યક્ત કરી પણ આડકતરી રીતે પ્રહારો પણ કર્યા હતા.