પુતિનનું સંબોધન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની યૂક્રેનની મુલાકાતના એક દિવસ બાદ આવ્યું છે. જેમાં તેમણે પોતાના દેશના લોકોની સુરક્ષાને મહત્ત્વપૂર્ણ ગણાવી અને યુદ્ધ સાથે જોડાયેલી ઘણી જાહેરાતો પણ કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે રશિયાની સંસદને સંબોધિત કરી. પુતિનનું સંબોધન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની યૂક્રેનની મુલાકાતના એક દિવસ બાદ આવ્યું છે. જેમાં તેમણે પોતાના દેશના લોકોની સુરક્ષાને મહત્ત્વપૂર્ણ ગણાવી અને યુદ્ધ સાથે જોડાયેલી ઘણી જાહેરાતો પણ કરી. પોતાના સંબોધન દરમિયાન પુતિને કહ્યું કે તેઓ એવા સમયે દેશને સંબોધિત કરી રહ્યા છે જે દેશ માટે મુશ્કેલ અને મહત્ત્વપૂર્ણ છે. સમગ્ર વિશ્વમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. પુતિને કહ્યું કે રશિયા યૂક્રેનને આઝાદ કરાવવા માટે લડી રહ્યું હતું. પુતિને પશ્ચિમી દેશોની પણ ટીકા કરી. પુતિને કહ્યું કે મોસ્કોએ નાટો સાથે શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ નાટોએ યોગ્ય જવાબ ન આપ્યો.
2014 થી સંવેદનશીલ એવા ડોનબાસ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ અમારી પીઠ પાછળ જુદા જુદા ષડયંત્રો ઘડવામાં આવી રહ્યા હતા. પુતિને કહ્યું કે યૂક્રેન અને ડોનબાસ જૂઠાણાના પ્રતીક બની ગયા છે. પુતિને પશ્ચિમી દેશો પર કરારમાંથી ખસી જવાનો, ખોટા નિવેદનો આપવા અને નાટોનો વિસ્તાર કરવાનો આરોપ લગાવ્યો. પુતિને કહ્યું કે પશ્ચિમી દેશો જ આ યુદ્ધના ગુનેગાર છે અને અમે માત્ર તેને રોકવા માટે સેનાનો ઉપયોગ કરી રહ્યા છીએ.
પોતાના સંબોધનમાં રશિયન રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે યૂક્રેનના લોકો તેમના પશ્ચિમી આકાઓના બંધક બની ગયા છે. પશ્ચિમી દેશોએ યૂક્રેનની રાજનીતિ, અર્થતંત્ર અને સૈન્ય પર કબજો જમાવ્યો છે. પુતિને યૂક્રેનની વર્તમાન સરકાર પર પોતાના દેશના હિતોનું ધ્યાન ન રાખવા અને વિદેશી શક્તિઓના હિત માટે કામ કરવાનો આરોપ લગાવ્યો.