કર્ણાટક વિધાનસભા ચૂંટણી રસપ્રદ બની રહી છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ બની રહ્યું છે. ગઈકાલે ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ અંગે ઘણો વિવાદ થયો હતો. આજે કર્ણાટકમાં જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
અમિત શાહે કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન મોદીની તુલના કાળા સાપ સાથે કરે છે. ક્યારેક આ કોંગ્રેસી લોકો કહે છે કે મોદીજી તમારી કબર ખોદશે. સોનિયા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી મોતના સોદાગર છે. પ્રિયંકા ગાંધી તેમને નીચી જાતિના લોકો કહે છે. તેમણે કહ્યું, “કોંગ્રેસના લોકોની મતિ મારી ગઈ છે. આ લોકો પીએમ મોદીને જેટલી ગાળો આપશે, તેટલું જ કમળ ખીલશે.”
કોંગ્રેસ રાજ્યને રિવર્સ ગિયરમાં નાખી દેશે – અમિત શાહ
લક્ષ્મેશ્વરમાં એક જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવો. નીચે ભાજપ સરકાર, ઉપર ભાજપ સરકાર, ડબલ એન્જિનની મોદી સરકાર કર્ણાટકને આગળ લઈ જશે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે ફરી કર્ણાટકને રિવર્સ ગિયરમાં નાખી દેશે.