વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાન પહોંચી ગયા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી તકરારને લઈને કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે રાજસ્થાન સરકાર કોંગ્રેસ સાથે પરસ્પર લડાઈમાં ફસાયેલી છે, આવી સ્થિતિમાં રાજસ્થાનનો વિકાસ કેવી રીતે થશે? રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. રાજસ્થાન સરકાર તુષ્ટિકરણમાં ફસાયેલી છે.
“જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં નબળો બચાવ”
આબુ રોડમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે, “કોંગ્રેસે તુષ્ટિકરણ માટે હંમેશા આતંકવાદીઓ પર નરમ વલણ અપનાવ્યું છે, કોંગ્રેસ આતંકવાદી વિચારધારા સાથે ઉભા રહેવાની એક પણ તક છોડતી નથી. આ વિચારસરણીને કારણે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારે જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં નબળો બચાવ કર્યો, જેના કારણે વિસ્ફોટોના આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.” મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ભલે ગમે તેટલી ઢાંકપિછોડો કરવાની કોશિશ કરે પરંતુ તેનું સત્ય આખા દેશ સમક્ષ આવી ગયું છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસે દાયકાઓથી જે પ્રકારની રાજનીતિ કરી છે તેનાથી દલિત, પછાત અને આદિવાસી સમાજને સૌથી વધુ નુકસાન થયું છે.
“મુખ્યમંત્રીને તેમના ધારાસભ્યો પર વિશ્વાસ નથી”
ગેહલોત-પાયલોટ વચ્ચે ચાલી રહેલા ઝઘડા પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે કોંગ્રેસની સ્વાર્થની રાજનીતિને કારણે રાજસ્થાનને પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અહીં ખુરશી લૂંટવાની અને ખુરશી બચાવવાની રમત ચાલી રહી છે.” વડા પ્રધાને કહ્યું, ”આ કેવી સરકાર છે જ્યાં મુખ્યમંત્રીને પોતાના જ ધારાસભ્યો પર વિશ્વાસ નથી, આ કેવી સરકાર છે જ્યાં ધારાસભ્યોને તેમના મુખ્યમંત્રી પર પણ વિશ્વાસ નથી. સરકારમાં દરેક વ્યક્તિ એકબીજાને અપમાનિત કરવાની સ્પર્ધા કરી રહ્યા છે. આખા પાંચ વર્ષથી ખુરશી સંકટમાં પડી રહી છે ત્યારે રાજસ્થાનના વિકાસની કોને પડી હશે.”
મોદીએ કાયદો અને વ્યવસ્થાને લઈને પણ રાજસ્થાન સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, “આજે કોંગ્રેસના શાસનમાં રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નાશ પામી ચુકી છે. રાજસ્થાનમાં, જ્યાં ગંભીર ગુનાઓ ભાગ્યે જ બનતા હતા, ત્યાં ગુનેગારો નિર્ભયપણે ફરી રહ્યા છે અને તેની વોટબેંકની ગુલામી કરી રહેલી કોંગ્રેસ કાર્યવાહી કરવાથી ડરી રહી છે.”