મહેસાણાના વિજાપુર ખાતે બનતું મરચું અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા માર્કેટમાં વેચાય છે. જો કે, વિજાપુરમાં નકલી મરચું બનાવતી ફેક્ટરી ઝડપાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) તંત્રનું ફૂડ વિભાગ પણ દોડતું થયું હતું. વિભાગે માધુપુરાના મસાલા માર્કેટમાં દરોડો પાડ્યો હતો અને મરચું બનાવતી ફેક્ટરીઓ અને દુકાનોમાં તપાસ કરી હતી. કેટલીક જગ્યાએથી સેમ્પલ લઈ ફૂડ વિભાગ દ્વારા લેબમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના માધુપુરામાં આવેલું મસાલા માર્કેટ ખૂબ જ લોકપ્રિય છે. અહીં મરચું, હળદર, ધાણાજીરૂ વગેરે લેવા માટે દૂર દૂર લોકો અને વેપારીઓ આવતા હોય છે. જો કે, આ માધુપુરા માર્કેટમાં મહેસાણાના વિજાપુરમાં બનતું મરચું પણ વેચાતું હોય છે. વિજાપુરમાં નકલી મરચું બનાવતી ફેક્ટરી ઝડપાતા એએમસીનું ફૂડ વિભાગ પણ દોડતું થયું હતું. ફૂડ વિભાગે માધુપુરા માર્કેટની વિવિધ મસાલા ફેક્ટરી અને દુકાનોમાં દરોડો પાડ્યો હતો અને મરચું, હળદર, ધાણાજીરૂ સહિતના વિવિધ મસાલાના સેમ્પલ પણ લીધા હતા.
ભેળસેળ કરનારા વેપારીઓ સામે ફૂડ વિભાગની લાલ આંખ
વિભાગ દ્વારા આ સેમ્પલને લેબ મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સિઝનમાં કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે અને મરી-મસાલામાં ભેળસેળ કરી, કલર ભેળવી વેચતા હોય છે. ત્યારે હવે આવા વેપારીઓ સામે તંત્રે લાલ આંખ કરી છે. જો કે, છેલ્લા એક મહિનાથી મસાલાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે મરી-મસાલાના કોઈ સેમ્પલ લઈ અને તેમાં મસાલાના પરિણામ સારા આવ્યા છે કે ખરાબ તેની માહિતી સામે આવી નથી. આથી ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે.