સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાકનો વાવેતર વિસ્તાર વધ્યો છે. આ વર્ષે 30205 હૅક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે જે ગત વર્ષના માર્ચ અને એપ્રિલ મહિનામાં 26320 હૅક્ટરમાં થયું હતું. મહત્ત્વનું છે કે આ વર્ષે કુલ વાવેતર વિસ્તારના 60 ટકાથી વધુ એટલે કે 20761 હૅક્ટરમાં માત્ર તલનું વાવેતર થયું છે. સાથે જ આ વર્ષે લાંબા સમય પછી 5 હૅક્ટરમાં ખેડૂતોએ અડદનું વાવેતર કર્યું છે.
….આ વર્ષે મુખ્ય પાકો બાજરી, અડદ, મગફળી, તલ અને ઘાસચારાના પાકમાં વધારો થયો છે જ્યારે ડાંગર, શાકભાજી અને ગમગુવારના પાકના વાવેતરમાં ઘટાડો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના પાણી આવતા ખેડૂતોને પિયત માટે પાણી મળતા પાક વાવેતરમાં લાભની આશા હતી. જેમાં હાલ અમુક વિસ્તારોમાં પિયત માટે પાણી મળે અને અમુક વિસ્તારોમાં પાણી ન મળતા ખેડૂતો પાણી માટે માંગ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં વધારો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં એવરેજ 14840 હેક્ટરમાં વાવેતર ઉનાળુ માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતે થઇ જતુ હોય છે. આમ ઉનાળુ પાકમાં વધારો થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.