રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ તૈયાર
—
શ્રી જય વસાવડા, શ્રી ભવેન કચ્છી, શ્રી પુલક ત્રિવેદી સહિતના લેખકોના પ્રેરણાદાયી લેખોનો સમાવેશ
—
ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક મુંઝવણને લઈને માર્ગદર્શન
—
જિલ્લા માહિતી કચેરી,અમરેલી ખાતેથી વિદ્યાર્થીઓ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ રુ.૨૦ કિંમત ચૂકવી પ્રાપ્ત કરી શકાશે
ધો.૧૦ અને ધો.૧૨ (વિજ્ઞાન, કોમર્સ,આર્ટ્સ) બાદ વિદ્યાર્થી પોતાની કારકિર્દીને ઘડતર કરી શકે તે માટે તેને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ તૈયાર કરવામાં આવ્યો છે. કારકિર્દી ઘડતર માટે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ? કયા અભ્યાસક્રમ ક્યા સ્થળે કરી શકાય છે? ક્યો અભ્યાસક્રમ ક્યા સ્થળેથી કરવા? ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ અને રોજગારી મેળવવા માટે ક્યો વિકલ્પ પસંદ કરવો? વગેરે જેવા અનેક સવાલો બાબતે વિદ્યાર્થી અને વાલીઓને આ અંક મારફતે દિશા દર્શન થઈ શકે છે. ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩માં ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દીના વિવિધ વિકલ્પો, એન્જિનિયરિંગ ફિલ્ડની વિવિધ શાખાઓ, આધુનિક સમયમાં કારકિર્દીના ઉમદા વિકલ્પો, કાયદા, કૃષિ, એરોસ્પેસ, સહિતના ક્ષેત્રે કારકિર્દી વિષયક માર્ગદર્શન ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો અને બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી સહિતનું માર્ગદર્શન આ વિશેષાંક-૨૦૨૩માં આપવામાં આવ્યું છે. યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન પણ આ અંક્માં સમાવિષ્ટ છે. ગુજરાતના વિખ્યાત લેખક સર્વ શ્રી જય વસાવડા, શ્રી પુલક ત્રિવેદી, શ્રી ભવેન કચ્છી, શ્રી રમેશ તન્ના, શ્રી બી.એન.દસ્તુર, શ્રી એસ.આર.વિજયવર્ગીય, શ્રી અંકિત દેસાઇ, શ્રી ડો.રાજેન્દ્ર ઉપાધ્યાય સહિતના પ્રેરણાદાયી લેખો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઉત્તમ ભવિષ્ય નિર્માણ માટે રાહ ચીંધશે.
જિલ્લા માહિતી કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જૂના માર્કેટ યાર્ડ સામે, જિલ્લા પંચાયત રોડ, અમરેલી ખાતેથી રુબરુમાં કચેરી સમય દરમિયાન (સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધી) રુ.૨૦ની કિંમત ચૂકવીને કારકિર્દી વિશેષાંક-૨૦૨૩ પ્રાપ્ત થઈ શકશે.