હાલમાં સરકાર દ્વારા ડિઝીટલાઈઝેશન ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યારે લખતર તાલુકાનું ઢાંકી ગામ આ ક્ષેત્રે આગળ ઉભરી આવતું હોય તેવો ઘાટ સર્જાયો છે. ગામનો પ્રથમ નાગરિક ગણાતા એવા સરપંચ પર ગામની સુરક્ષા અને હલચલની જવાબદારી હોય છે. ત્યારે જો ગ્રામપંચાયતમાં એક યુવા અને પ્રયત્નશીલ સરપંચ હોય તો ગામનું કામ કેટલું સારું અને જલ્દી કામ થઈ શકે તેનું ઉમદા ઉદાહરણ લખતર તાલુકાનું ઢાંકી ગામ પૂરું પાડે છે. લખતર તાલુકાનાં ઢાંકી ગામમાં અંદાજે બેએક હજારની વસ્તી અને 400 જેટલા ઘર આવેલ છે.
….લખતર તાલુકાનાં ઢાંકી ગામમાં ગત સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે પ્રભુભાઈ મકવાણા ચુંટાયા છે. ત્યારે તાજેતરમાં ગ્રામજનોની સુરક્ષાની જવાબદારી ગણી અસામાજીક તત્વોથી તેમજ ચોરીથી ગ્રામજનોને સુરક્ષીત રાખવા માટે સમગ્ર ગામમાં સીસીટીવી કેમેરા મુકાવ્યા છે. જેમાં ગામની જાહેર જગ્યાએ જેવી કે ગામનો ચોરો, ગ્રામપંચાયત, બસ સ્ટેન્ડ સહિતની જગ્યાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવી છે. આ સીસીટીવીનું મોનીટરીંગ ગ્રામપંચાયતની કચેરીમાંથી થાય છે. ત્યારે ગામની સુરક્ષા માટે સરપંચ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીની સરાહના થઈ રહી છે. ઢાંકી ગામમાં સીસીટીવી કેમેરા પહેલાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “અમૃત સરોવર” પણ બનાવવામાં આવેલ છે. જ્યાં પેવર બ્લોક, બાળકોને ક્રીડા માટેનાં સાધનો સહિતની સુવિધા કરી જગ્યાને રમણીય બનાવવામાં આવી છે. તો યુવાનો માટે મનરેગા યોજના હેઠળ રમતનું મેદાન તેમજ દોડ માટેનો ટ્રેક પણ બનાવવામાં આવેલા છે. ઢાંકી ગામમાં હમણાં હમણાં બાઈક ચોરીનાં બનાવો બન્યા હતા. તેમજ અસામાજીક તત્વોથી થતી પરેશાનીથી ગામલોકોને સચેત કરવામાં સરળતા રહે છે. તેથી સમગ્ર ગામમાં સી.સી.ટી.વી. કેમેરા હોવાથી અસામાજીક તત્વોને પકડવામાં આસાની રહી શકે છે. હાલમાં ઢાંકી ગામમાં 2 લાખનાં ખર્ચે 12 સીસીટીવી લગાડીને કાર્યરત કરાયા છે.