દરિયાઈ વિસ્તારની સુરક્ષાની સાથે સાથે ભારતીય કોસ્ટગાર્ડ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે પર્યાવરણ મિત્ર બનીને કાર્યરત રહે છે. મેક ઇન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ “સમુદ્ર પાવક” નામનું જહાજ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે ખૂબ જ મહત્વનું અને આધુનિક સુવિધા અને સાધનોથી સજ્જ જહાજ છે.
પૃથ્વીના ૭૧ ટકા વિસ્તારમાં પાણી અને ફક્ત ૨૯ ટકા વિસ્તારમાં જમીન ભાગ છે. અને માનવ વસાહતો જમીન ભાગમાં હોવાથી આ ભાગમાં અલગ અલગ રીતે થતાં પ્રદૂષણ નિયંત્રણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અને વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમીઓ કાર્યરત રહે છે. પણ, વિવિધ દેશો વચ્ચે માલની આયાત અને નિકાસ દરિયાઈ માર્ગે થતી હોય છે. તથા વિવિધ નાના મોટા કારખાનાઓ પણ દરિયા કિનારે આવેલા હોય છે. ત્યારે વિવિધ કારણોસર દરિયામાં પ્રદૂષણ થતું હોય છે. ખાસ કરીને દરિયામાં ક્રૂડ ઓઇલ ઢોળાઇ તો દરિયાઈ જીવ સૃષ્ટિનુ અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જાય છે. જેથી દરિયાઈ પ્રદૂષણની અસર દરિયાઈ જીવો અને પર્યાવરણ પર જોવા મળતી હોય છે. દેશમાં ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે. જેથી ગુજરાતમાં સારો એવો મત્સ્યદ્યોગ પણ વિકસ્યો છે. વેરાવળ, પોરબંદર સહિત મહત્વના કેન્દ્રો પર મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો છે. મચ્છી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પણ માછીમારો અને બોટ માલિકોને વિવિધ યોજનાકીય સહાય અને સબસીડી પણ આપે છે. આ ઉપરાંત ગુજરાતના બંદરો પરથી અન્ય દેશો સાથે માલની આયાત નિકાસ દરિયાઈ માર્ગો પરથી થાય છે. ત્યારે દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ “કોસ્ટ ગાર્ડ પોલ્યુશન કંટ્રોલ રિસ્પોન્સ ટીમ” રાજ્યમા આવેલા વિવિધ પોર્ટ પર દર ૬ મહિને પોર્ટ પર કાર્યરત પ્રદૂષણ નિયંત્રણ માટેના સાધનોનું નિરીક્ષણ કરે છે. ખાસ કરીને જે પોર્ટ પરથી આયાત નિકાસ અને વિવિધ ઓઇલ ટ્રાન્સપોર્ટ થતું હોય તેવા પોર્ટ પર ખાસ ફોકસ કરીને નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે. આ ઉપરાંત દરિયાઈ ઓઇલ પ્રદૂષણ નિયંત્રણ માટે મેક ઇન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા
“સમુદ્ર પાવક” નામનું જહાજ મહત્વની ભૂમિકા ભજવે છે. દરિયાઈ સુરક્ષાની સાથે સાથે દરિયાઈ પ્રદૂષણ કંટ્રોલ માટે પણ કોસ્ટગાર્ડની ટીમ તૈનાત રહેશે. દરિયામાં કોઈ પણ લેવલનું ઓઈલ ઢોળાઇ તો સ્થાનિક પોર્ટની સાથે સાથે “સમુદ્ર પાવક” જહાજ દરિયાઈ ઓઇલ પ્રદુષણ નિયંત્રણની સાથે રેસ્ક્યું માટે ખૂબ જ આધુનિક જહાજ છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા નિયમિત મોકડ્રિલ પણ યોજાતી હોય છે. આમ ભારતીય કોસ્ટગાર્ડ દેશના દરિયાઈ માર્ગોની સુરક્ષા કરવાની સાથે સાથે દરિયામાં થતાં પ્રદૂષણ નિયંત્રણ માટે પણ તૈનાત રહે છે.