વાહનોના ઈ મેમો ન ભરવા મામલે ઉદાસીનતા દાખવતા વાહન ચાલકો સામે કાર્યવાહી વર્ચ્યુઅલ કોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ત્રણ જેટલા શહેરોના 70 હજાર કેસ કોર્ટમાં પહોંચ્યા છે. કોર્ટમાં ગયા બાદ મુદ્દત સુધીમાં જો દંડ નથી ભરવામાં આવ્યો તો તમારે ચલણની મોકલવામાં આવેલી રકમ અને દંડ ભરવાનો રહેશે.
કરોડોની રકમ ટ્રાફીકના નિયમોનું ઉલ્લઘન કર્યા બાદ ઘરે આવેલા ઈ મેમોની બાકી છે ત્યારે આ મામલે અમદાવાદમાં વર્ચ્યુઅલ કોર્ટ થકી લોકોને એસએમએસ થકી નોટિસ મોકલવામાં આવી રહી છે. સુપ્રીમકોર્ટના માર્ગદર્શન અને આદેશ બાદ આ ઈ-કોર્ટ શરુ કરવામાં આવી છે. જેમાં રાજકોટ, સુરત, અમદાવાદના મોટી સંખ્યામાં કેસો કોર્ટમાં આવ્યા છે અને 41 હજારથી વધુ કેસો પ્રોસિડ થયા છે. જેમાંથી આ ત્રણ શહેરોમાંથી 1244 લોકોએ ઓનલાઈન દંડની રકમ જમા કરાવી દીધી છે. 7.73 લાખ રુપિયા દંડ આ ત્રણ શહેરોના લોકોએ ઓનલાઈન ભર્યો છે.
ઈ ચલણ મોકલવામાં આવતા તેના દંડની રકમ 90 દિવસમાં ભરવાની રહે છે. જો આ સમયગાળા દરમિયાન દંડની રકમ ભરવામાં નથી આવતી તો વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વર થકી જે તે વાહન માલિકને મોબાઈલમાં નોટિસ એસએમસ થકી મળી જાય છે. જેમાં ઓનલાઈન દંડ ભરવા માટેની લિંક પણ હોય છે પરંતુ જો દંડ નથી ભરવામાં આવતો તો આ મામલે કોર્ટમાં કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે છે. જો કે, જે તે સિટીની કોર્ટમાં આ કેસ મોકલી દેવામાં આવે છે. જો કે, અમદાવાદમાં મોટી સંખ્યામાં દંડની રકમ ભરવાની બાકી છે.