દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખવામાં આવશે. નેહરુ મેમોરિયલના નામ બદલ્યા બાદ કોંગ્રેસ પાર્ટી સતત ભાજપ અને નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહી છે. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે જેમની પાસે કોઈ ઈતિહાસ નથી, તેઓ બીજાના ઈતિહાસને ભૂંસવા નીકળ્યા છે. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલવાના કુતિસ્ત પ્રયાસથી આધુનિક ભારતના આર્કિટેક્ટ અને લોકશાહીના નિર્ભય ચોકીદાર પંડિત જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વને ઓછું કરી શકે નહીં.
ભાજપ-કોંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયા પર આમને-સામને
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ માત્ર ભાજપ-આરએસએસની નિમ્ન માનસિકતા અને તાનાશાહી વલણ દર્શાવે છે. મોદી સરકારની વામન વિચારસરણી ભારત પ્રત્યેના ‘હિંદના જવાહર’ના વિશાળ યોગદાનને ઘટાડી શકતી નથી. જણાવી દઈએ કે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ મામલે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે આ રાજકીય અપચાનું ઉત્તમ ઉદાહરણ છે. એક સરળ વિચાર સ્વીકારવામાં આ અસમર્થતા દર્શાવે છે કે કેવી રીતે વિવિધ વંશના નેતાઓ રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. પીએમ મ્યુઝિયમ એ રાજકારણથી આગળનો એક પ્રયાસ છે. કોંગ્રેસ પાસે તેને વાસ્તવિકતા બનાવવાની દ્રષ્ટિનો અભાવ છે.
જેપી નડ્ડાએ કહ્યું- એટલા માટે લોકો કોંગ્રેસને નકારી રહ્યા છે
તેમણે કહ્યું કે આ મુદ્દા પર કોંગ્રેસનો અભિગમ માર્મિક છે, કારણ કે તેમની પાર્ટીનું એકમાત્ર યોગદાન અગાઉના તમામ વડા પ્રધાનોના વારસાને ભૂંસી નાખવાનું છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે માત્ર એક જ પરિવારની વિરાસત ટકી શકે. જેપી નડ્ડાએ કહ્યું કે પીએમ મ્યુઝિયમમાં દરેક પીએમને સન્માન મળ્યું છે. પંડિત નેહરુ સંબંધિત વિભાગ બદલવામાં આવ્યો નથી. ઊલટું તેમની પ્રતિષ્ઠાને વધારવામાં આવી છે. એક એવી પાર્ટી માટે ભારત પર 50 વર્ષથી વધુ વર્ષો સુધી શાસન કર્યું, તેમની આવી ક્ષુદ્રતા ખરેખર દુઃખદ છે. આ જ કારણ છે કે લોકો તેને નકારી રહ્યા છે.