ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગરમાં જીવરાજ મહેતા ભવન એટલે કે સચિવાલય હવે નવું બનાવવામાં આવશે. જૂના સચિવાલય ભવનને બદલે હવે નવું ભવન બનાવવામાં આવશે. જીવરાજ મહેતા ભવન 47 વર્ષ જૂનું છે અને એમાં ઘણી કચેરીઓ ખૂબ જ જૂની અને જર્જરિત થઈ ચુકી છે, જેના કારણે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટેની તૈયારી પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે.
શું છે આખો પ્લાન – જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવાની યોજના છે, જેમાં પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે બે બ્લોક તૈયાર કરવામાં આવશે. જલ્દી જ આ માટેની ટેન્ડરની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવશે. જણાવી દઈએ કે જૂની ઈમારત યથાવત રાખીને જ નવી ઈમારત બનાવવામાં આવશે. નવું ભવન તૈયાર થયા બાદ જ જૂના ભવનને તૂડી પાડવામાં આવશે. જૂના સચિવાલયમાં 20 બ્લોક આવેલ છે. ત્યારે હવે નવું ભવન ત્રણ માળના બદલે 8 માળનું બનાવાશે.
જણાવી દઈએ કે ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ થઇ અને વર્ષ 1971માં ગાંધીનગરને પાટનગર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 1976માં જૂના સચિવાલય ડો. જીવરાજ મહેતા ભવનથી ગુજરાતનો વહીવટ શરૂ કરવામાં આવ્યો. ત્યારે 47 વર્ષમાં આ ભવને અનેક ચડતી પડતી જોઈ છે. ત્યારે હવે તે નવું બનાવવામાં આવશે.