બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં તેમના દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તે માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે સાથે જ વિવાદોનો મધપૂડો પણ છંછેડાયો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ ભારે વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ બીજેપી તરફથી પણ કોંગ્રેસ પર શાબ્દિક હુમલા કરવામાં આવી રહ્યા છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ કોંગ્રેસમાં જ બે ફાંટા
જણાવી દઈએ કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મેથી 2 જૂન સુધી ગુજરાતમાં રહેવાના છે. આ દરમિયાન અમદાવાદ, સુરત અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાશે. તેમના કાર્યક્રમને લઈને હાલ રાજ્યમાં કોંગ્રેસ અને બીજેપી પક્ષના નેતાઓ સામસામે થયા છે અને એકબીજા સામે શાબ્દિક હુમલા કરી રહ્યા છે. પરંતુ, આ મામલે કોંગ્રેસમાં જ બે ફાંટા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, કોંગ્રેસના અમુક નેતાઓ ધીરેન્ધ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાકે તેમના સત્સંગમાં જવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે.
ચૂંટણી આવે એટલે ભાજપ ધર્મના નામે વોટ મેળવવા રાજનીતિ કરે છે : કોંગ્રેસ
મીડિયા રિપોર્ટ મુજબ, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે એક ટ્વીટ કરીને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું છે અને તેમના સત્સંગમાં જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી આવે ત્યારે મૂળ મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા બીજેપી બાબાનો ઉપયોગ કરે છે. 2024ની ચૂંટણી આવી રહી છે ત્યારે વધુ એક નવા બાબા આવ્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી આવે એટલે ભાજપ ધર્મના નામે વોટ મેળવવા રાજનીતિ કરે છે.
આ કાર્યક્રમ અંગે મને કોઈ માહિતી નથી: નીતિન પટેલ
મીડિયા અહેવાલ અનુસાર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખેડૂતોની આવક ડબલ કયારે થશે તેવા સવાલ કરતો એક પત્ર બાબાને લખ્યો છે. આ મામલે જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ અંગે મને કોઈ માહિતી નથી અને અંગત રીતે તેમાં મને કોઈ રસ પણ નથી. સુરતનો લિંબયત વિસ્તાર જ્યાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ થવાનો છે ત્યાંના ભાજપ ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું હતું કે, આ મામલે કોંગ્રેસ પાર્ટી ખોટા મુદ્દાઓ ઊભા કરીને રાજનીતિ કરી રહી છે. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ યોગ્ય રીતે પાર પડે તેવું તેઓ ઇચ્છતા નથી.