UPI Based Payment: સરકાર દ્વારા તમામ પંચાયતોને અદ્યતન બનાવવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. હવે સરકારે 15મી ઓગસ્ટ સુધીમાં તમામ પંચાયતોને યુપીઆઈ (UPI) સુવિધાથી સજ્જ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દેશની તમામ પંચાયતો વિકાસ કાર્યો અને આવક વસૂલાત માટે આ સ્વતંત્રતા દિવસથી ફરજિયાતપણે ડિજિટલ પેમેન્ટ સેવાનો ઉપયોગ કરશે અને તેમને UPI યુઝર્સ તરીકે જાહેર કરવામાં આવશે. પંચાયતી રાજ મંત્રાલયના પત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
98 ટકા પંચાયતોમાં પહેલાં જ સુવિધા શરૂ થઈ
મંત્રાલય તરફથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, યુપીઆઈ (UPI) નો ઉપયોગ કરતી પંચાયતોને મુખ્ય પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો જેવા અગ્રણી મહાનુભાવોની હાજરીમાં ‘જાહેરાત અને ઉદ્ઘાટન’ કરવું જોઈએ. પંચાયતી રાજ મંત્રાલયના સચિવ સુનીલ કુમારે જણાવ્યું કે, લગભગ 98 ટકા પંચાયતોએ યુપીઆઈ (UPI) આધારિત પેમેન્ટ શરૂ કરી દીધું છે. કુમારે જણાવ્યું કે, પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PMFS) દ્વારા લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. હવે પંચાયતોને ચૂકવણી ડિજિટલ રીતે કરવામાં આવશે. ચેક અને રોકડ દ્વારા ચૂકવણી લગભગ બંધ થઈ ગઈ છે.
પેમેન્ટ પ્લેટફોર્મની ડિટેલ કર્મચારીઓની સાથે શેર કરી
તેમણે જણાવ્યું કે, હવે તે લગભગ દરેક જગ્યાએ પહોંચી ગયું છે. અમે લગભગ 98 ટકા પંચાયતોને આવરી લીધી છે. પંચાયતોને 30 જૂને સર્વિસ પ્રોવાઈડર અને ‘વેન્ડર’ સાથે મીટિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. મંત્રાલયે ગૂગલ પે (Google Pay), ફોન પે (PhonePe), પેટીએમ (Paytm), ભીમ (Bhim), મોબિક્વિક (Mobikwik), વોટ્સએપ પે (WhatsApp Pay), અમેઝોન પે (Amazon Pay) અને ભારત પે (Bharat Pay) જેવા UPI પ્લેટફોર્મના અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો ધરાવતી યાદી શેર કરી છે.
15 જુલાઈ સુધી સર્વિસ પ્રોવાઈડરની પસંદગી કરવી પડશે
મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, પંચાયતોએ 15 જુલાઈ સુધીમાં યોગ્ય સેવા પ્રદાતાની પસંદગી કરવી પડશે અને 30 જુલાઈ સુધીમાં ‘વેન્ડર’નું નામ આપવું પડશે. પંચાયતોને એક જ ‘વેન્ડર’ પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે જે સમગ્ર વિસ્તારને આવરી લે છે. વાસ્તવિક સમયમાં વ્યવહારો પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીયકૃત ડેશબોર્ડ બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. જિલ્લા અને બ્લોક સ્તરે અધિકારીઓ માટે તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે.
પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલે જણાવ્યું કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન શરૂ કરવાથી ભ્રષ્ટાચારને અંકુશમાં લેવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું કે, હવે મોટાભાગની પંચાયતો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહી છે. તેનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવામાં મદદ મળશે…. સરકારી ડેટા મુજબ, એકલા જાન્યુઆરી 2023માં ‘ભીમ’ દ્વારા 12.98 લાખ કરોડ રૂપિયાના 806.3 કરોડ વ્યવહારો થયા હતા. તેમાંથી લગભગ 50 ટકા વ્યવહારો ગ્રામીણ અને આસપાસના વિસ્તારોમાં થયા છે.