ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વિજયાદશમીના પાવન પર્વે કલોલના ઇફકો પ્લાન્ટ ખાતે નવનિર્મિત પ્રવાહી નેનો ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કરી, રાષ્ટ્રના કૃષિ વિકાસપથ પર હંમેશા વિજયી બનવા સૌને શુભેચ્છા પાઠવી હતી.
કલોલ ખાતે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો -ઓપરેટિવ લિમિટેડ- ઇફકો દ્વારા સ્થાપિત વિશ્વના પ્રથમ પ્રવાહી નેનો ડીએપી બનાવવાના પ્લાન્ટનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ઇફકો દ્વારા સૌ પ્રથમ નિર્મિત નેનો યુરિયા અને નેનો ડીએપી કૃષિ ક્ષેત્રમાં ભારતની વિશ્વને અમૂલ્ય ભેટ છે. મંત્રી એ નેનો યુરિયા અને નેનો ડીએપી પ્લાન્ટને મેક ઇન ઇન્ડિયા નું તેમજ આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર કૃષિનાં શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ ગણાવ્યા હતા.
આજે વિશ્વમાં કૃષિ લાયક જમીન ઘટતી જાય છે ત્યારે કૃષિ ઉત્પાદન અને ખાદ્યાન્નની વાસ્તવિક જરૂરિયાત વચ્ચે સંતુલન સાધવું અત્યંત આવશ્યક ગણાવતા ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કૃષિ ઉત્પાદન અને તેની આવશ્યકતા વચ્ચેના સંતુલન માટે કેન્દ્ર સરકાર દ્વારા યથાસંભવ પ્રયાસો થઈ રહ્યા છે. પ્રવાહી નેનો ફર્ટિલાઇઝર આ દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. આ પ્રસંગે મંત્રી એ બીજ સંગ્રહણ અને કૃષિ ઉત્પાદનોના નિકાસ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ દ્વારા નવા પરિણામ હાંસલ કરી શકાશે તેમ જણાવી આ ક્ષેત્રે ઇફકો ચાવીરૂપ ભૂમિકા ભજવે તે માટે અનુરોધ કર્યો હતો.
કેન્દ્ર અને ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના હિત માટે અનેકવિધ પગલાં ભર્યા છે, તેની માહિતી આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી એ એમ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં સરકારે ખેડૂતો માટે સહકારી પ્રવૃત્તિને ફરી જીવંત બનાવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વર્ષ 2014માં કેન્દ્ર સરકારનું ખેડૂતો માટેનું બજેટ રૂ. ૨૨ હજાર કરોડનું હતું જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે વર્ષ 2023 -24 માં ખેડૂતો માટેના બજેટમાં રૂપિયા એક લાખ કરોડનો વધારો કરી ખેડૂતો માટે કુલ બજેટ રૂપિયા એક લાખ 22 હાજર કરોડનું રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014માં ખેડૂતોને લોન ધિરાણ જે રૂપિયા 7 લાખ કરોડ હતું તે વર્ષ 2023- 24માં 19 લાખ કરોડે પહોંચ્યું છે. આ જ રીતે ચોખા ના લઘુતમ ટેકાના ભાવ વર્ષ 2014માં રૂ. 1310 હતા તેમાં વધારો કરી વર્ષ 2023- 24 માં રૂ. 2200 કરાયા છે. આ જ રીતે આ સમય દરમિયાન ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 1400 થી વધારી રૂ. 2275 કરાયા છે, જ્યારે બાજરાના ટેકાના ભાવ રૂ.1,250 થી વધારી રૂ. 2500 જેટલા કર્યા છે. આ જ રીતે કોરોના કાળ બાદ રાસાયણિક ખાતરોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાવ વધારો થવા છતાં સરકારે ખેડૂતો પર આર્થિક બોજ પડવા દીધો નથી તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વર્ષ 2014માં રાસાયણિક ખાતર ઉપરની સબસીડી જે રૂ. 73 હજાર કરોડ હતી તેમાં વધારો કરી વર્ષ 2023 -24 માં સરકારે આ સબસીડી રૂ 2 લાખ 55 હાજર કરોડ કરી ખેડૂતોના હિતમાં આર્થિક બોજ ઉઠાવ્યો છે, જે દર્શાવે છે કે સરકારે હંમેશા ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખાતરના વપરાશને ક્રમશ: ઘટાડી પર્યાવરણ અને જમીનને બચાવવા અનુરોધ કર્યો હતો. તેમને નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરવા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અનુરોધ પણ કર્યો હતો. મંત્રીશ્રીએ નેનો ફર્ટિલાઇઝરના સંશોધન માટે ઇફકોના કર્મયોગીઓને આ પ્રસંગે અભિનંદન પણ પાઠવ્યા હતા.
હવે, ભારત દેશના ખેડૂતો નેનો યુરિયા બાદ નેનો ડીએપીનો વપરાશ કરશે, તેનો આનંદ વ્યકત કરીને કેન્દ્રીય આરોગ્ય, રાસાયણિક અને ખાતર વિભાગ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાંદેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે અને નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. આજે દેશ કૃષિ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને ખેડૂતોની આવક પણ વધી રહી છે. અત્યાર સુધી ભારતના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. જેમાં રાસાયણિક ખાતરનો અવ્યવસ્થિત ઉપયોગ કરવાના કારણે આજે જમીન બગડી છે, પાણી દૂષિત થયું છે અને માણસોના સ્વાસ્થય ઉપર પણ તેની અસરો વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિમાં કૃષિ ક્ષેત્રે બદલાવ લાવવા માટે ભારત દેશની સૌથી મોટી સહકારી ક્ષેત્રની સંસ્થા ઇફકો દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ નેનો યુરિયા બાદ નેનો ડીએપી ના નિર્માણ બાદ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે?
તેમણે ઉમેર્યું હતું કે નેનો ડીએપી બનાવવામાં જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, તે તમામ સ્વદેશી છે. ત્યારે નેનો ડીએપી અને નેનો યુરિયા ના ઉપયોગથી વિશ્વભરમાં કૃષિ ક્ષેત્રે બદલાવ લાવવાનું શરૂ થશે, તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, એક સમયે એવો હતો કે, સંશોધન થયા બાદ દુનિયા ઉપયોગ કરી લે તે પછી આપણા દેશમાં તે સંશોધનનો ઉપયોગ થતો હતો. પરંતુ મેકિંગ ઇન્ડિયા અને આત્મ નિર્ભર ભારત થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં પરિવર્તન આવ્યું છે. હવે આપણે સંશોધન કરી પહેલો ઉપયોગ કરી રહ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ નેનો યુરિયા અને નેનો ડીએપી છે. કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જમીનમાં ડીએપી અને યુરિયાનો વપરાશ ઓછો કરવો જોઈએ, તેવી એક અપીલ કરી છે. નેનો ડીએપી અને નેનો યુરિયાનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેમાંથી મોટી માત્રામાં તે ઉડી જતું હોય છે અથવા જમીનમાં ભળી જતું હોય છે જેથી ખેડૂતોને આ રાસાયણિક ખાતરો મોંઘા પડતા હોય છે. પરંતુ નેનો ડીએપીની કિંમત ડીએપી ખાતરની થેલી કરતા 50 ટકા ઓછી છે, જે ખેડૂતો માટે લાભદાયી છે. નેનો ડીએપીના ઉપયોગ થકી આપણે જમીનનો બગાડ અટકાવી શકીશું પાણીની બચત કરી શકીશું અને પાકનું ઉત્પાદન વધશે, તેઓ વિશ્વાસ ૬ હજાર એકર જમીનમાં પ્રયોગ કર્યા બાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. નેનો યુરીયાના અને નેનો ડીએપીના ઉપયોગ થી સરકારને સબસીડી માં ખૂબ મોટી બચત થશે. દેશના વડાપ્રધાન એ દેશના જે રાજ્યો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી નેચરલ ફાર્મિંગ કે નેનો યુરિયા નેનો ડીએપી જેવા ખાતરોનો ઉપયોગ કરી ખેતી કરશે તેવા રાજ્યોને સબસીડી હેઠળ બચત થતી રકમની ૫૦% રકમ આપવામાં આવશે. તે રાજ્ય તેના ઉપયોગ ખેડૂતોના કલ્યાણકારી યોજનાઓ માટે કરી શકશે.
તેમણે ઉમેર્યું હતું કે આજે ૨.૫૦ લાખ કરોડ જેટલી ખાતરની સબસીડી દેશના ખેડૂતોને ચૂકવાય છે અને ગુજરાત રાજ્યમાં ૨૨ હજાર કરોડ જેટલી આ સબસીડી ચૂકવવામાં આવે છે નેનો યુરિયા અને નેનો ડીએપીના કારણે આ સબસિડીમાં બચત થશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઇફકો કલોલ ખાતે નેનો ડીએપી પ્લાન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. નેનો ડીએપીએ સંપૂર્ણ રીતે સ્વદેશી છે. ઇફકોના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરીને બનાવવામાં આવ્યુ છે. નેનો ડીએપીના વપરાશના કારણે પ્રદૂષણ ઘટશે, પર્યાવરણની જાળવણી થશે, પાકની ગુણવત્તા વધશે, ઉત્પાદન પણ વધશે, તેની સાથે કિસાનોની આવક પણ વધશે. આગામી સમયમાં નેનો ડીએપી ગેમ ચેન્જરનું કામ કરશે. નેનો યુરિયા બાદ ઇફકો દ્વારા નેનો ડીએપીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી એ નેનો ડીએપીના રિચર્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. વિશેષ માહિતી ઇફકોના વૈજ્ઞાનિકો પાસેથી પણ મેળવી હતી.
આ પ્રસંગે ઇફકોના મેનેજિંગ ડાયરેક્ટર ગૌરીશંકર અવસ્થીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી નેનો ડીએપીના ઉપયોગ કરવાથી થતાં ફાયદાઓની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપી હતી. કાર્યક્રમના અંતે ઈફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી