અજિત પવાર શિંદે સરકારમાં જોડાયા બાદ NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથ શરદ પવારનો છે અને બીજો જૂથ ડેપ્યુટી સીએમ અજિત પવારનો છે. દરમિયાન, સમાચાર આવ્યા છે કે NCPના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા જ હોબાળો થયો છે. અજિત પવારના જૂથને ઓફિસની ચાવી ન મળતાં નારાજ કાર્યકરોએ ધક્કો મારીને દરવાજો ખોલ્યો છે.
NCP સાંસદ અમોલ કોલ્હે આપી શકે છે રાજીનામું
એવા સમાચાર છે કે NCP સાંસદ અમોલ કોલ્હે રાજીનામું આપી શકે છે. અમોલ કોલ્હે શિરુર લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય છે. આજે અમોલ કોલ્હે શરદ પવારને મળશે અને તેમના નિર્ણય અંગે શરદ પવારની સલાહ લેશે. સાંજે 6 વાગ્યાથી વાયબી સેન્ટર ખાતે આ બેઠક યોજાશે. પરંતુ અમોલ કોલ્હે પાર્ટીમાં જ રહેશે. અમોલ કોલ્હે શરદ પવાર સાથે સંગઠન માટે કામ કરશે. અમોલ કોલ્હે અજિત પવાર અને 8 મંત્રીઓના શપથ સમારોહ દરમિયાન રાજભવનમાં હાજર હતા. ગઈ કાલે ટ્વીટ કરીને શરદ પવાર પ્રત્યેની વફાદારી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ પાર્ટીની આજે મુંબઈમાં મહત્ત્વની બેઠક યોજાશે
મહારાષ્ટ્રમાં અજિત પવારના બળવા બાદ કોંગ્રેસ પાર્ટીની આજે મુંબઈમાં મહત્ત્વની બેઠક યોજાશે. પ્રદેશ કોંગ્રેસના તમામ મોટા નેતાઓ અને ધારાસભ્યોને વિધાન ભવનમાં બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. અજિત પવાર સહિત એનસીપીના 8 ધારાસભ્યો શિંદે સરકારમાં જોડાયા બાદ રાજ્યની બદલાયેલી રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.
આ દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નવા નેતા પર પણ ચર્ચા થશે. આ પદ માટે કોંગ્રેસ પહેલેથી જ દાવો કરી ચુકી છે. અશોક ચૌહાણ, નાના પટોલે, પૃથ્વીરાજ ચૌહાણ, અમિત દેશમુખ, બાળાસાહેબ થોરાટ અને પ્રભારી એચ.કે.પાટીલ બેઠક માટે પહોંચ્યા છે.