વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસની તેમની મુલાકાત પહેલાં કહ્યું કે તેઓ ભારતને ‘ગ્લોબલ સાઉથ’ના મજબૂત ખભા તરીકે જુએ છે. ફ્રેંચ અખબાર લેસ ઇકોસને આપેલા ઈન્ટરવ્યુમાં મોદીએ કહ્યું કે કોરોના પછી વિશ્વ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે, જેમાં ભારત-ફ્રાન્સની ભાગીદારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની વર્તમાન વ્યવસ્થા પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 8 દાયકામાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે અને આ બદલાયેલી દુનિયામાં ઘણા સવાલો ઉભા થાય છે. તેમની મુલાકાતમાં, તેમણે ભારતની વધતી વસ્તીથી લઈને 2047 માટેના તેમના વિઝન સુધીના વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી.
UNSCમાં કાયમી બેઠક માટે ભારતના દાવા પર પણ વાત કરી
જ્યારે યુએન સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે ભારતની દાવેદારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે, પીએમ મોદીએ કહ્યું, “મામલો માત્ર વિશ્વસનીયતાનો નથી, પરંતુ તેનાથી ઘણો મોટો છે. હું માનું છું કે વિશ્વએ બીજા વિશ્વયુદ્ધ પછી સર્જાયેલા બહુપક્ષીય શાસન માળખા વિશે પ્રમાણિક ચર્ચા કરવાની જરૂર છે. આ સંસ્થાઓના નિર્માણના આઠ દાયકા પછી દુનિયા બદલાઈ ગઈ છે. સભ્ય દેશોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. વૈશ્વિક અર્થતંત્રનું ચરિત્ર બદલાઈ ગયું છે. આપણે નવી ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. નવી શક્તિઓના ઉદભવથી વૈશ્વિક સંતુલનમાં સાપેક્ષ પરિવર્તન આવ્યું છે. આપણે જળવાયુ પરિવર્તન, સાયબર સુરક્ષા, આતંકવાદ, અવકાશ સુરક્ષા, રોગચાળા સહિતના નવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું, ‘ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આ વિસંગતતાનું પ્રતીક છે. જ્યારે આફ્રિકા અને લેટિન અમેરિકાના તમામ દેશોને તેમાં અવગણવામાં આવ્યા છે ત્યારે આપણે તેને વૈશ્વિક સંસ્થાનો પ્રાથમિક ભાગ કેવી રીતે કહી શકીએ? જ્યારે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને સૌથી મોટી લોકશાહી કાયમી સભ્ય નથી ત્યારે તે વિશ્વ વતી બોલવાનો દાવો કેવી રીતે કરી શકે? મને લાગે છે કે મોટાભાગના દેશો સ્પષ્ટ છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કેવા ફેરફારો જોવા માંગે છે, જેમાં ભારતની ભૂમિકાનો સમાવેશ થાય છે. આ બાબતે ફ્રાન્સ દ્વારા અપનાવવામાં આવેલી સ્પષ્ટ અને સુસંગત સ્થિતિની હું પ્રશંસા કરું છું.’
‘અમે 2047માં ભારતને વિકસિત દેશ જોવા માંગીએ છીએ’
2047માં ભારત માટેના તેમના વિઝન વિશે વાત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું, ‘અમે 2047 માટે સ્પષ્ટ વિઝન સાથે કામ કરી રહ્યા છીએ, જે અમારી આઝાદીની 100મી વર્ષગાંઠ હશે. અમે 2047માં ભારતને વિકસિત દેશ બનતા જોવા માંગીએ છીએ. એક વિકસિત અર્થતંત્ર કે જે તેના તમામ લોકો માટે શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ભારત એક જીવંત અને સહભાગી સંઘીય લોકશાહી તરીકે ચાલુ રહેશે, જેમાં તમામ નાગરિકો સશક્ત, તેમના અધિકારોમાં સુરક્ષિત, રાષ્ટ્રમાં તેમના સ્થાનનો વિશ્વાસ અને તેમના ભવિષ્ય વિશે આશાવાદી હોય.
પીએમ મોદીએ કહ્યું, ‘ઈનોવેશન અને ટેક્નોલોજીમાં ભારત વૈશ્વિક લીડર બનશે. ટકાઉ જીવનશૈલી, સ્વચ્છ નદીઓ, વાદળી આકાશ અને જૈવવિવિધતા અને વન્યજીવનથી સમૃદ્ધ જંગલો ધરાવતો દેશ. અમારું અર્થતંત્ર તકોનું કેન્દ્ર બનશે, વૈશ્વિક વૃદ્ધિનું એન્જિન અને કૌશલ્ય અને પ્રતિભાનો સ્ત્રોત બનશે. ભારત લોકશાહીની શક્તિનો મજબૂત પુરાવો બનશે. અમે આંતરરાષ્ટ્રીય કાયદા અને બહુપક્ષીયતાના શિસ્તના આધારે વધુ સંતુલિત બહુધ્રુવીય વિશ્વને આગળ વધારવામાં મદદ કરીશું.’
પીએમ મોદીએ કહ્યું, ભારતની સૌથી મજબૂત સંપત્તિ અમારા યુવાનો છે
ભારતની સૌથી મોટી વસ્તીએ વિશ્વમાં તેના સ્થાનમાં કઈ રીતે બદલાવ લાવી તે અંગે પૂછવામાં આવતા પીએમ મોદીએ કહ્યું, “ભારત એક સમૃદ્ધ સંસ્કૃતિ છે જે હજારો વર્ષ જૂની છે. આજે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. ભારતની સૌથી મજબૂત સંપત્તિ અમારા યુવાનો છે. એવા સમયે જ્યારે વિશ્વના ઘણા દેશો વૃદ્ધ થઈ રહ્યા છે અને તેમની વસ્તી ઘટી રહી છે, ત્યારે આવનારા દાયકાઓમાં ભારતનું યુવા અને કુશળ વર્કફોર્સ વિશ્વ માટે એક અસ્ક્યામત બનવાની તૈયારીમાં છે. અનોખી વાત એ છે કે આ વર્કફોર્સ ઓપન માઈન્ડેડ છે અને લોકશાહીમાં માને છે. આજે પણ, ભારતીય ડાયસ્પોરા જ્યાં પણ છે ત્યાંની સમૃદ્ધિમાં ફાળો આપે છે.”
પીએમ મોદીએ કહ્યું, ‘જેમ જેમ અમે ભવિષ્ય તરફ આગળ વધીએ છીએ તેમ તેમ અમારો વસ્તી વિષયક લાભ, લોકશાહીમાં અમારા ઊંડા મૂળ અને અમારી સંસ્કૃતિની ભાવના અમને માર્ગદર્શન આપશે. અમે વૈશ્વિક પડકારોને પહોંચી વળવા, વધુ સંયુક્ત વિશ્વનું નિર્માણ કરવા, સૌથી વધુ સંવેદનશીલ લોકોની આકાંક્ષાઓને અવાજ આપવા અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને આગળ વધારવામાં યોગદાન આપવાની અમારી જવાબદારીને ઓળખીએ છીએ. ભારત વૈશ્વિક પ્રવચનમાં પોતાનો અનોખો અને વિશિષ્ટ પરિપ્રેક્ષ્ય લાવે છે અને તે હંમેશા શાંતિ, ન્યાયી આર્થિક વ્યવસ્થા, નબળા દેશોની ચિંતાઓ અને આપણા સામાન્ય પડકારોનો સામનો કરવાના મુદ્દાઓ પર વૈશ્વિક એકતા માટે ઊભો રહ્યો છે.’