કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું કે, કોર્ટના નિર્ણયથી સાબિત થયું છે કે, સંવાદિતા માટે જરૂરી છે કે કોઈ પણ સમાજ સાથે દુર્વ્યવહાર ન થાય. રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાયનું અપમાન કર્યું હતું. કોંગ્રેસના નેતાઓના વિરોધ પર પૂર્ણેશ મોદીએ કહ્યું કે તેઓ સમાજના સન્માન માટે લડી રહ્યા છે.
રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી પર અન્ય કેસ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને કોઈ રાહત આપી શકાય તેમ નથી.
2019માં પૂર્ણેશ મોદીએ મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણી સામે સુરત કોર્ટમાં અરજી કરી હતી. પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમના ધારાસભ્ય છે. 2021માં તેમને ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં પરિવહન અને પર્યટન મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે 2022ની સરકારમાં તેમને તક આપવામાં આવી ન હતી.
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો OBC ચહેરો ગણાતા પૂર્ણેશ મોદી પ્રોફેશનલ વકીલ છે. 2013માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ તેઓ સુરત પશ્ચિમમાંથી સતત જીતતા રહ્યા. રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યા બાદ પૂર્ણેશ દેશભરમાં ફેમસ થઈ ગયા છે. માનવામાં આવે છે કે, હાઈકોર્ટના નિર્ણય બાદ પૂર્ણેશ મોદીનું કદ વધી શકે છે અને તેમને ફરીથી હાઈકમાન્ડના આશીર્વાદ ફળી શકે છે.