બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રોને લઈ વિવાદ સતત વધી રહ્યો છે. સાધુ-સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આનો ઉગ્ર વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. સાથે જ ભીંતચિત્રો દૂર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ વચ્ચે જો તમે સાળંગપુર હનુમાન મંદિરે દર્શન કરવા જવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ સમાચાર જરૂરથી વાંચી લો.
મીડિયા અહેવાલ અનુસાર, સાળંગપુર ભીંત ચિત્રોના વિવાદને લઈ હાલ મંદિરના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. તમામ મુખ્ય દરવાજા બંધ કરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવાર હોવાથી સ્થાનિકો સાથે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો મંદિરે દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. પરંતુ, મંદિરના તમામ મુખ્ય ગેટ બંધ હોવાથી અંદર પ્રવેશ ન મળતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
‘ભક્તોને દાદાના દર્શન કરવાથી રોકવા તે યોગ્ય નથી’
કેટલાક ભક્તોનું કહેવું છે કે વિવાદ જે પણ હોય પરંતુ, ભક્તોને દાદાના દર્શન કરવાથી રોકવા તે યોગ્ય નથી. કષ્ટભંજન દેવ હનુમાનજી કોઈના દાસ નથી, તે રામ ભગવાનના દાસ છે. કોઈની લાગણી દુભાય તેવા વિવાદાસ્પદ ભીંતચિત્રોને દૂર કરવામાં જ સૌની ભલાઈ છે. કેટલાક ભક્તો દૂર દૂરથી આવ્યા છે, ત્યારે દાદાના દર્શન ન થતા તેઓને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોઈ ભક્તે આ વિવાદના કારણે લાગણી દુભાતા મંદિરમાં બેરિકેડ્સ તોડી અંદર પ્રવેશ ભીંતચિત્રોને કાળો રંગ લગાવી કુહાડીથી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ જવાનોએ તે શખ્સને ઝડપી લીધો હતો.