અભિનેતા પુલકિત સમ્રાટે 2012માં ફિલ્મ ‘બિટ્ટુ બોસ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. છેલ્લા એક દાયકામાં તેણે ઘણી ફિલ્મો કરી છે, પરંતુ તેમ છતાં અભિનેતાનો સંઘર્ષ ચાલુ છે. સંઘર્ષ એટલા માટે કે પુલકિત સમ્રાટના કહેવા પ્રમાણે, તેને કામ નથી મળી રહ્યું. તેનું કારણ તેના ગુડ લૂક્સ છે. પુલકિત સમ્રાટના તાજેતરના ઈન્ટરવ્યુમાં આ બાબતને લઈને દુઃખ છલકાયું હતું. આ સમયે કામ ન મળવાને કારણે અભિનેતા પરેશાન છે.
મીડિયા સાથે વાત કરતા પુલકિત સમ્રાટે ખુશી વ્યક્ત કરી કે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે, અને ફિલ્મો પણ કરી છે, પરંતુ તેને દુખ છે કે તેને સારી ભૂમિકાઓ નથી મળી રહી. પુલકિત સમ્રાટનું કહેવું છે કે ગુડ લૂક્સને કારણે તેને સારી અને અલગ ભૂમિકાઓ મળવામાં અવરોધ આવી રહ્યો છે.
પુલકિત સમ્રાટે કહ્યું, ‘આ વર્ષોમાં મને એ વાતનો અહેસાસ થયો છે કે હું જે પ્રકારનું કામ કરવા માગું છું તેમાં ક્યારેક મારા ગુડ લૂક્સ અવરોધરૂપ બને છે. એવું લાગી શકે છે કે હું અતિશયોક્તિ કરી રહ્યો છું, પરંતુ મને લાગે છે કે હવે મને જે પ્રકારની ભૂમિકાઓ મળી રહી છે તેનો મારા લૂક્સ સાથે ઘણો સંબંધ છે. જ્યારે લોકો હીરો વિશે વિચારે છે, ઝાડની આસપાસ ફરતા હોય છે, ગીતો ગાતા હોય છે, છોકરીનો પીછો કરતા હોય છે, દુનિયા સાથે લડતા હોય છે… આ બધી વસ્તુઓ મારી પાસે આવી જાય છે. પરંતુ મને એવા પાત્રો નથી મળી રહ્યા, જે હું કરવા સક્ષમ છું. મને લેયર્ડ અને વિચારશીલ પાત્રો નથી મળી રહ્યા, જે મને ખૂબ ગમે છે.’
પુલકિત સમ્રાટે 2006માં ટીવીની દુનિયામાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેણે બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તેણે ‘ફુકરે’, ‘સનમ રે’, ‘ડોલી કી ડોલી’, ‘ફુકરે રિટર્ન્સ’ અને ‘પાગલપંતી’ જેવી ફિલ્મો કરી. પુલકિત સમ્રાટ હવે આશા રાખે છે કે તેના આગામી પ્રોજેક્ટ ‘ફુકરે 3’ અને ‘મેડ ઇન હેવન’ લોકોને તેની ક્ષમતા જોવા મળશે અને વધુ પડકારજનક ભૂમિકાઓ નિભાવવાની તક મળશે. ‘ફુકરે 3’ની વાત કરીએ તો તે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.