દિલ્હીમાં યમુનાનું જળસ્તર ઘટી રહ્યું હોવા છતાં પણ ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ઘણી જગ્યાએ લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છે. દરમિયાન દિલ્હીમાં પૂરને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપોની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. યમુના પૂરને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીને જાણી જોઈને ડૂબાડવામાં આવ્યું અને તેના માટે ભાજપ જવાબદાર છે.
માત્ર દિલ્હીને મોકલવામાં આવ્યું પાણી – ભારદ્વાજ
સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ‘દિલ્હીને જાણી જોઈને ડૂબાડવામાં આવ્યું, હથિનીકુંડ બેરેજમાંથી વધારાનું પાણી માત્ર દિલ્હી મોકલવામાં આવ્યું.’ સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે હથિનીકુંડ બેરેજમાંથી માત્ર દિલ્હી માટે પાણી છોડવામાં આવ્યું જ્યારે વેસ્ટર્ન કેનાલ માટે પાણી છોડવામાં આવ્યું ન હતું. તેના પર રાજનીતિ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ સહિત દિલ્હીની તમામ મહત્વની સંસ્થાકીય ઈમારતોને ડૂબાડવાનું ષડયંત્ર હતું.’
એલજી પર લગાવ્યો આરોપ
સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે એલજીના મનપસંદ અધિકારીઓ જેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ ઓફિસર તેમના મંત્રી આતિશીનો ફોન ઉપાડતા નથી. તેમણે કહ્યું કે રાહત શિબિરોની હાલત ખરાબ છે, ત્યાં ભોજન નથી કારણ કે અધિકારીઓ પગલાં નથી લઈ રહ્યા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે જે અધિકારીઓ રાહત શિબિરોનું સંચાલન કરવામાં અસમર્થ હોય તેમણે રાજીનામું આપવું જોઈએ.
સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘ભાજપના કેટલાક અભણ લોકો કહી રહ્યા છે કે રેગ્યુલેટરનું કામ પાણીના વિતરણ જેવું છે. અરે, તો પછી રેગ્યુલેટર કેમ છે? આ તેનું કામ છે. પાણીનું નિયમન કરો. હથિનીકુંડની લોગ બુકમાં સ્પષ્ટ છે કે જ્યારે દિલ્હી તરફ પાણી છોડવામાં આવ્યું ત્યારે ઈસ્ટ વેસ્ટ કેનાલ ખાલી રાખવામાં આવી.’
સંજય સિંહનો આરોપ
AAP સાંસદ સંજય સિંહે કહ્યું, ‘હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત છે. દિલ્હીમાં ત્રણ દિવસથી વરસાદ નથી, તો શું છે પૂરનું કારણ, શું છે તેની પાછળનું કારણ. તેનું કારણ છે દિલ્હી પ્રત્યે ભાજપ અને કેન્દ્રની દુર્ભવના, દિલ્હીને બરબાદ કરવાનું કાવતરું, મોદીજીની દિલ્હી પ્રત્યેની નફરત. આ આફતની સ્થિતિ છે, તે દેશના કોઈપણ ભાગમાં આવી શકે છે. આ એક પ્રાયોજિત પૂર છે, પ્રાયોજિત આપત્તિ છે. દેશના પાંચ રાજ્યો પૂરની તબાહીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશને અનાથ છોડીને મોદીજી ફ્રાંસના પ્રવાસે નીકળી ગયા.’
કેજરીવાલે કહી હતી આ વાત
આ પહેલા શુક્રવારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ‘દિલ્હીમાં આ દિવસોમાં વરસાદ નથી પડ્યો. અત્યારે સમગ્ર પાણી હિમાચલ પ્રદેશ અને હરિયાણામાંથી આવી રહ્યું છે. આ આપણું સ્થાનિક પાણી નથી. આજ સુધી દિલ્હી પાસે આટલું પાણી સંભાળવાની ક્ષમતા નહોતી. 1978 પછી પહેલીવાર આટલું પાણી આવ્યું છે. આ સમય રાજનીતિનો નથી, એકબીજા પર દોષારોપણ કરવાને બદલે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. હવામાન વિભાગ તરફથી જે માહિતી મળી છે, આવતીકાલથી દિલ્હીમાં ફરી વરસાદની સંભાવના છે. જો વરસાદ નહીં આવે તો એકાદ-બે દિવસમાં બધું સામાન્ય થઈ જશે, પરંતુ વધુ વરસાદ આવે તો જોવું પડશે.’