ગુજરાત રાજ્યમાં DPIIT દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020 માં 873, 2021 માં 1,703 અને 2022 માં 2,276 હતી, જ્યારે ગુજરાતમાંથી 592 કંપનીઓને 28 ફેબ્રુઆરી 2023 સુધી સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે.
ગુજરાતમાં સ્ટાર્ટઅપ ગ્રોથ ઝડપી રહ્યો છે. કહેવાય છે કે ગુજરાતીઓના લોહીમાં વેપાર વણાયેલો છે ત્યારે નાનો પરંતુ પોતાનો બિઝનેસ હોવાનું આજનો યુવાવર્ગ પસંદ કરી રહ્યો છે જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160%નો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત હતી, જે સંખ્યા વર્ષ 2022માં 2,276 કંપનીઓ સુધી પહોંચી હતી. રાષ્ટ્રીય સ્તરે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020માં 14,498 થી વધીને 83% નો વધારા સાથે 2022 માં 26,542 થઈ.
વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશે રાજ્યસભામાં 24 માર્ચના રોજ સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં માહિતી રજૂ કરી હતી. ગુજરાત રાજ્યમાં DPIIT દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020 માં 873, 2021 માં 1,703 અને 2022 માં 2,276 હતી, જ્યારે ગુજરાતમાંથી 592 કંપનીઓને 28 ફેબ્રુઆરી 2023 સુધી સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે. માન્યતા પ્રાપ્ત કંપનીઓની કુલ સંખ્યા 5,444 કંપનીઓ સુધી પહોંચી છે. રાષ્ટ્રીય સ્તરે, DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યાના સંદર્ભમાં ગુજરાત તમામ રાજ્યોમાં પાંચમા ક્રમે છે. નથવાણીએ છેલ્લા ત્રણ વર્ષમાં અને ચાલુ વર્ષમાં દેશમાં નોંધાયેલા સ્ટાર્ટ-અપ્સની સંખ્યા, યુનિકોર્ન બનેલા સ્ટાર્ટ-અપ્સની સંખ્યા અને દેશમાં સ્ટાર્ટ-અપ કલ્ચરને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી ઉપલબ્ધ બનાવાશે.