પેપર ચોરી મામલે 9 વર્ષમાં 13 પરીક્ષાઓ રદ થતા સરકાર હવે હરકતમાં આવી છે અને આ મામલે કાયદો આગામી સત્રની અંદર બિલ પણ પસાર કરશે. વિધાનસભા સત્ર પહેલા સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.
પેપર લીકની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે સતત બનતી આ ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓના ભાવી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. સરકારને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. મોટા હોદ્દેદારો કે જેઓ બદલાય છે પરંતુ પદ્ધતિ ના બદલાતી હોવાથી આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે આ ઘટનાઓ સામે અનેક સવાલો પણ પરીક્ષા મામલે ઉભા થયા છે.
સરકાર પેપર ચોરી મામલે કાયદો લાવશે. આગામી વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરી મહિનામાં મળવા જઈ રહ્યું છે ત્યારે આ સત્ર દરમિયાન જ કાયદો લાવશે. ખાસ કરીને આ વખતે પેપર ચોરીની ઘટના બનતા જ કાયદો પસાર થાય તેને લઈને ચર્ચા ચાલતી હતી. ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે સરકાર કાયદો પસાર કરશે તેની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે, આગામી સમયમાં પસાર થનાર કાયદામાં 3 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવશે. પેપર ચોરી મામલ સર કડક કાયદો લાવશે. આરોપીઓ વિરુદ્ધ કડક સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવશે. રદ થયેલી પરીક્ષા આગામી 100 દિવસમાં લેવાશે તેમ પણ તેમણે કહ્યું હતું. પરીક્ષા પદ્ધતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભરતી પ્રક્રીયાના પેપર લીક રોકવા માટે ખાસ પ્રક્રીયા કરાશે. આગામી સત્રમાં જ સરકાર કાયદો લાવશે આ સાથે તેમણે મહત્વની વાત કરતા કહ્યું કે, પરીક્ષા પદ્ધતિમાં સુધારા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાશે.
મુસદ્દો તૈયાર કરવામાં આવશે, આજીવન કેદની સજાની જોગવાઈ હોઈ શકે છે
ભુપેન્દ્ર પટેલ સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવા માંગે છે કારણ કે પેપર કૌભાંડને લઈને સરકાર સામે આંગળીઓ ચિંધાઈ રહી છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાશે. આ પ્રકારના કેસમાં એક મુસદ્દો તૈયાર કરવામાં આવશે. જેમાં આજીવન કેદની જોગવાઈઓ સાથે આરોપીની ભૌતિક સંપત્તિ જપ્ત કરવા જેવી કડક જોગવાઈઓ સાથે નવો કાયદો પસાર થઈ શકે છે.