બુધવાર મધરાતે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માલેતુજાર બાપના દીકરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કારથી બ્રિજ પર અકસ્માત જોવા ઊભા રહેલા કેટલાક લોકોને અડફેટે લઈ 30 ફૂટ ઉલાળ્યા હતા. આ ઘટનામાં 3 પોલીસકર્મી સહિત કુલ 9 લોકોના મોત નીપજ્યા છે. આકસ્માત બાદ પોલીસે તથ્ય પટેલ અને તેની સાથે કારમાં સવાર અન્ય 3 યુવતી અને 2 યુવકની ધરપકડ કરી છે.
બાપ-દીકરાએ કાન પકડી માફી માગી
આ કેસમાં આરોપી તથ્યના પિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગત રાતે પોલીસે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઉપરાંત, ત્યાં બંને આરોપી પિતા-પુત્રે કાન પકડીને માફી પણ માગી હતી અને ઉઠકબેઠક લગાવી હતી. ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત બાદ આરોપી તથ્ય પટેલને એસજી-2 પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. આ કેસમાં FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં જાણવા મળ્યું છે કે, તથ્યની ગાડી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ હતી. પોલીસે પણ હવે તથ્યની કસ્ટડી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
કાર સવાર તમામનું મેડિકલ થશે
માહિતી મુજબ, જેગુઆર કારમાં સવાર તમામ લોકોની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે. કારમાં સવાર તથ્ય સહિત 3 યુવક અને 3 યુવતીઓએ કોઈ પણ પ્રકારનો નશો કર્યો હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. હાલ આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.