કેનેડામાં તમને દરેક શહેરમાં ભારતીયો જોવા મળી જશે. 2021ની વસ્તી ગણતરી મુજબ, કેનેડામાં લગભગ ભારતીય મૂળના 18.5 લાખ લોકો રહે છે. આ કેનેડાની વસ્તીના 5 ટકા છે. મોટાભાગના ભારતીયો ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયામાં રહે છે. કેનેડામાં ભારતીયો પ્રત્યે ખૂબ જ સકારાત્મક વલણ છે, પરંતુ કેટલાક અરાજક તત્વો ત્યાંના સમગ્ર ભારતીય સમુદાયને બદનામ કરી રહ્યા છે.
ચોરીના સામાન સહિત 90 લાખ કેનેડિયન ડોલરથી વધુની સંપત્તિ જપ્ત
કેનેડિયન પોલીસે ભારતીય મૂળના 15 લોકોની ધરપકડ કરીને વાહન ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ચોરીના સામાન સહિત 90 લાખ કેનેડિયન ડોલરથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. પીલ પ્રાદેશિક પોલીસે જણાવ્યું કે પીલ પ્રાદેશિક મ્યુનિસિપલ એરિયા અને ગ્રેટર ટોરોન્ટો એરિયા (જીટીએ)માં ટ્રેક્ટર-ટ્રેલર અને વાહન ચોરીની સંખ્યાબંધ ઘટનાઓની તપાસ માટે માર્ચમાં સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. તપાસમાં તેને ‘પ્રોજેક્ટ બિગ રિગ’ નામ આપવામાં આવ્યું અને આ ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરીને GTAમાં વિવિધ શહેરોમાંથી ભારતીય મૂળના 15 લોકોની ધરપકડ કરી.
પકડાયેલા લોકોની ઉંમર 22 થી 45 વર્ષની વચ્ચે
પોલીસે જણાવ્યું કે પકડાયેલા લોકોની ઉંમર 22 થી 45 વર્ષની વચ્ચે છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી) ના અહેવાલ અનુસાર, તપાસકર્તાઓએ જણાવ્યું કે ચોરાયેલા વાહનોમાં કોમર્શિયલ કાર્ગો વાહનો, એટીવી અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે. શંકાસ્પદ લોકો કથિત રીતે આ વાહનોને વિવિધ સ્ક્રેપ માર્કેટ અને દુકાનોમાં વેચી દેતા હતા. પોલીસે જણાવ્યું કે કુલ 92 લાખ કેનેડિયન ડોલરની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં 69 લાખ કેનેડિયન ડોલરની કિંમતના ચોરાયેલા વાહનો અને 22 લાખ કેનેડિયન ડોલરના ચોરાયેલા ટ્રેક્ટર-ટ્રેલરનો સમાવેશ થાય છે.