રાજ્યમાં હવે તો જાણે રાતના ટાણે બહાર નીકળવું જીવનું જોખમ લેવા જેવું બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજનો ગમખ્વાર અકસ્માત ગત બુધવારે રાતના સમયે થયો હતો. તથ્ય પટેલ નામના નબીરાએ આ ગોઝારો અકસ્માત સર્જ્યો હતો, જેમાં 3 પોલીસકર્મી સહિત 9 આશાસ્પદ યુવાનોના જીવ ગયા હતા. હજી તો આ અકસ્માતના દ્રશ્યો ભૂલી શકાયા નથી ત્યાં તો વડોદરામાં એવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક નબીરાએ પંડ્યા બ્રિજ પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની કમ્પાઉન્ડમાં ધડાકાભેર કાર અથડાવી હતી. આ ઘટનામાં કારચાલકનું મોત નીપજ્યું હોવાની માહિતી છે.
લેબના કમ્પાઉન્ડ સાથે કાર ધડાકાભેર અથડાઈ
મળતી માહિતી અનુસાર, વડોદરાના પંડ્યા બ્રિજ પાસે આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની કમ્પાઉન્ડમાં મધરાતે એક કાર ધડાકાભેર અથડાઈ હતી. આ કારની સ્પીડ એટલી હતી કે કમ્પાઉન્ડની આખી દીવાલ ધરાશાઈ થઈ હતી. જ્યારે કાર આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય વ્યક્તિને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે રસ્તા પર કોઈ ન હોવાથી અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી.
કાર પંડ્યા બ્રિજ તરફથી વાયુવેગે જઈ રહી હતી
મધરાતે બનેલી આ અકસ્માતની ઘટનાની જાણ ફતેહગંજ પોલીસને થતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક કારચાલકનું નામ ગુંજન જિજ્ઞેશભાઇ સ્વામી (24) હોવાનું અને તે હરણી એરપોર્ટ સામે F-9માં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. તેની સાથે કારમાં તેનો મિત્ર અર્જુનસિંહ ઠાકુર પણ હતો. આ બંને પંડ્યા બ્રિજ તરફથી વાયુવેગે ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ગુંજનનું મોત નીપજતાં તેની સોસાયટીમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ અંગે પોલીસે હાલ અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.