૭૭મા સ્વાતંત્ર પર્વની સંધ્યાએ રાજભવનના નવનિર્મિત મહર્ષિ દયાનંદ સભામંડપમાં આયોજિત એટ હૉમ-સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ
કહ્યું કે, આજે એવા વીર ક્રાંતિકારીઓની સ્તુતિ, સ્મરણ અને એમના ચરણોમાં વંદન કરવાનો આ અવસર છે, જેમનાં બલિદાનોને પરિણામે આજે આપણે સુખી અને સ્વતંત્ર ભારતમાં આનંદ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ એ રાજ્યના આગેવાન નાગરિકો સાથે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આઝાદી પર્વ અને અન્ય રાષ્ટ્રીય પર્વોની ઉજવણી દ્વારા આપણે આપણી યુવા પેઢીને દેશના ક્રાંતિવીરોનો પરિચય કરાવીને તેમનામાં
દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાની આવશ્યકતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી હર ઘર તિરંગા અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીથી રાષ્ટ્રમાં
દેશભક્તિનું વાતાવરણ સર્જાયું છે, અને આપણે આત્મગૌરવની અનુભૂતિ કરી રહ્યા છીએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ ક્ષેત્રોના આગેવાન નાગરિકોને સંબોધતાં એટ હૉમમાં કહ્યું કે, દેશના અમૃતકાળના આરંભે આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર
કરવા અથાગ પ્રયત્નો કરવાનો સંકલ્પ લઈએ. ગુલામીની માનસિકતાની તમામ નિશાનીઓને નેસ્ત નાબૂદ કરીએ. આપણે વર્ષો પૂર્વે વિશ્વગુરુ રહી ચૂક્યા છીએ, વિશ્વને આપણે આપણો પરિવાર માનીએ છીએ. ભારતની આવી મહાન વૈદિક પરંપરાની આપણે વિશ્વને અનુભૂતિ કરાવી છે. આપણા દેશની એકતા અને અખંડતા માટે સદાય પ્રયત્નશીલ રહીએ. રાષ્ટ્ર સર્વોપરી છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવનાથી આપણે આપણા રાષ્ટ્રને મહાશક્તિ બનાવી શકીશું.