RSS ચીફ મોહન ભાગવતના નિવેદનનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બ્રાહ્મણ સમુદાય તેમના નિવેદન સામે આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરના પૂજારીએ પણ મોહન ભાગવતને પત્ર લખ્યો છે
મહાકાલેશ્વર મંદિરમાં પૂજારી મહેશ ગુરુ અને અખિલ ભારતીય યુવા બ્રાહ્મણ સમાજના ઉપાધ્યક્ષ રૂપેશ મહેતાએ મોહન ભાગવતને પત્ર લખીને ત્રણ સવાલો પૂછ્યા છે. તેમણે ભાગવત પાસેથી સંઘની વ્યવસ્થા અંગે જવાબ માંગ્યો છે. મહેશ પૂજારીએ કહ્યું છે કે મોહન ભાગવતે બ્રાહ્મણો પર જાતિ વ્યવસ્થા ઊભી કરવાનો આરોપ લગાવ્યો છે. આનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે બ્રાહ્મણોના આ ત્રણ સવાલોના જવાબ આપવા જોઈએ.
આ ત્રણ સવાલો પૂછયા
ભગવાન રામ કઈ જાતિ અને કુળના હતા? રાવણનું કુળ અને પાત્ર કેવું હતું? શબરી અને કેવત કયા વર્ણ અને કુળના હતા? ત્રેતાયુગમાં જાતિ વ્યવસ્થા કોણે બનાવી – શ્રીરામ, રાવણ, શબરી કે કેવત?
શ્રી કૃષ્ણ વિષ્ણુના અવતાર છે. તેમણે દ્વાપરયુગમાં યદુવંશ જન્મ લીધો હતો. શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે તેમણે વર્ણ વ્યવસ્થાની રચના કરી છે. તો પછી બ્રાહ્મણ સમાજ પર આરોપ શા માટે?
દેશમાં જાતિ પ્રથાને ખતમ કરતા પહેલા સંઘ અને તેના સહયોગી સંગઠનોમાં તેને ખતમ કરે. કાર્યકર્તાઓને સૂચના આપે કે તેમના છોકરા-છોકરીઓના લગ્ન દલિત અને પછાત વર્ગમાં કરે. જો કોઈ સભ્ય વર્ણ પ્રણાલીમાં રહે છે, તો તે સંઘ છોડી શકે છે કે પછી તમે તેને સંઘમાંથી કાઢી મૂકશો?
ભાગવતે આપ્યું હતું આવું નિવેદન
મોહન ભાગવતે રવિવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જાતિ ભગવાને બનાવી નથી. ભગવાન માટે આપણે બધા એક છીએ. પંડિતોએ જાતિ વ્યવસ્થા ઊભી કરી. સમાજને જ્ઞાતિઓમાં વિભાજીત કરીને પહેલા દેશમાં આક્રમણો થયા. પછી બહારથી આવેલા લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો.