સુરત: ગુજરાતમાં ચોરાયેલા ચંદનના લાકડાની સૌથી મોટી જપ્તી થઇ છે, જેમાં ભરૂચ વન વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ વિવિધ સ્વરૂપોમાં 1,000 કિલો ચંદનનો જથ્થો જપ્ત કરીને એક અપંગ પુરુષ અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે.
ધરપકડ કરાયેલો શખસ વિમલ મહેતા ગુજરાતના પૂર્વ અને દક્ષિણ પટ્ટામાં અનેક ચંદનની ચોરીનો માસ્ટર માઇન્ડ છે. પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરત નજીક કામરેજમાં મકાન ધરાવતા મહેતાએ મોટી સંખ્યામાં ચંદનની ચોરીઓ કરી છે અને છેલ્લા 12 વર્ષથી તેના ગેરકાયદે વેપારમાં સામેલ છે.
મહેતા અને તેની પત્નીને શુક્રવારે મોડી રાત્રે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રૂંધા ગામમાંથી તેમના ઘરેથી ઝડપી લેવામાં આવ્યા હતા. આયુર્વેદિક વનસ્પતિનો જંગી જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં આ પ્રથમ વખત છે કે સફેદ ચંદન અને તેના પાવડરનો આટલો મોટો જથ્થો ઝડપાયો છે. કુલ જપ્તીની કિંમત લગભગ 35 લાખ રૂપિયા છે. દંપતીએ કબૂલાત કરી કે ચંદનનું લાકડું ઘણા ગેરકાયદેસર ડીલરો અને કેટલાક મંદિરોને વેચ્યું હતું.
એસઓજીના અધિકારીઓએ જણાવ્યું કે મહેતા પાસે ચંદન ચોરોનું એક સ્થાપિત નેટવર્ક હતું અને તેણે ચોરીનો માલ ખરીદ્યો હતો. તેમણે ખેડૂતો પાસેથી ઓછા ભાવે ચંદન ખરીદ્યું પણ હતું. તેનું નેટવર્ક છોટા ઉદેપુરથી ડાંગ સુધીનું હતું.
મહેતાએ ત્યારબાદ ચંદનના લાકડાના ટુકડા, પાવડર, ચિપ્સમાં વિવિધ સાધનોનો ઉપયોગ કરીને મંદિરો સહિતના ઓર્ડર મુજબ સપ્લાય કર્યો હતો. ભરૂચ જિલ્લાની નેત્રંગ પોલીસને હાથકુંડી મંદિર વિસ્તાર અને જામુની ગામના ખેડૂતો પાસેથી ચંદન ચોરીની અનેક ફરિયાદો મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
વન વિભાગે તેના ચક્રો ગતિમાન કર્યા અને મહેતા દંપતી અને રૂંઢામાં તેના સ્થાન વિશે જાણકારી મેળવી. મહેતાની પત્ની આ ગામની વતની છે અને તેણે ત્યાં ઘર બનાવ્યું હતું. દરોડા દરમિયાન અનેક દુર્લભ ઔષધીય વનસ્પતિઓ પણ જપ્ત કરવામાં આવી હતી. જપ્તીમાં ચંદનના 45 લોગ, 1,478 કિલો ચંદનના ટુકડા અને ચિપ્સ, 282 કિલો ચંદનનો પાવડર, 119 કિલો ચંદનના છોડ, 1,825 કિલો ગદામણી મૂળ, 60 કિલો અર્જુન વૃક્ષની છાલ અને 72 કિલો ખાપટની વનસ્પતિનો સમાવેશ થાય છે. જ્યારે અર્જુન છાલનો ઉપયોગ કાર્ડિયો-વેસ્ક્યુલર રોગોની સારવારમાં થાય છે, ત્યારે ખાપટનો ઉપયોગ પીડા રાહતની દવાઓ બનાવવા માટે થાય છે.
પોલીસે સુરતના કામરેજમાં પણ દરોડા પાડ્યા હતા જ્યાંથી વધારાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, દંપતી ખેતરોમાં ખાલી પડેલી જમીન અને મકાનો પણ ગેરકાયદેસર રીતે વેચતા હતા.