સુપ્રીમ કોર્ટે બળાત્કાર પીડિતાની અરજી પર સુનાવણી કરતા તેને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ મહિલા 27 અઠવાડિયાની ગર્ભવતી છે. ગર્ભપાતની પરવાનગી માટે કરાયેલી અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જે મામલે તેણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું છે કે જો ભ્રૂણ જીવતો જન્મે છે તો સરકાર પ્રયાસ ખાતે કે તે જીવિત રહી શકે.
કોર્ટમાં રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ તબક્કે મહિલાની પ્રેગ્નન્સી સુરક્ષિત રીતે ખતમ કરી શકાય છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ભ્રૂણ બચી જશે તો હોસ્પિટલ બાળકને ઇન્ક્યુબેશનમાં રાખીને સુનિશ્ચિત કરશે કે તે જીવી શકે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકારની જવાબદારી રહેશે કે કાયદા મુજબ બાળકને દત્તક આપવામાં આવી શકે.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતીય સમાજમાં લગ્ન નામની સંસ્થા હેઠળ સમાજ અને દંપતી ગર્ભાવસ્થાને ખુશીની તક માને છે. બીજી બાજુ, લગ્નની બહાર અનિચ્છનીય ગર્ભાવસ્થા સ્ત્રીના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.
આ પહેલા શનિવારે આ જ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની ટીકા કરી હતી કે તેણે ગર્ભાવસ્થા સમાપ્ત કરવા સંબંધિત અરજીને ફગાવી દીધી હતી. આના પર સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે આવા કેસોની તાત્કાલિક સુનાવણી થવી જોઈએ અને આવા કેસોને સામાન્ય માનીને કોઈ બેદરકારી ન રાખવી જોઈએ.