નડિયાદએક કલાક પહેલા
પવનની ગતિ પણ વધતા લૂ લાગે તેવો હાલ સર્જાયો
રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. ઉનાળાની શરૂઆત ટાણે જ ગરમી પોતાનો અસલ મિજાજ બતાવી રહી છે. આકરા તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ આકરો તાપ પડી રહ્યો છે. જેના કારણે જિલ્લાવાસીઓ ઉનાળાની મોસમથી ત્રાસી ચૂક્યા છે.
ગરમીના કારણે અબોલ પશુઓના હાલ બેહાલ બન્યા.
એક બાજુ માર્ચ એન્ડિંગને લઈને સમગ્ર અર્થતંત્રની ગતિવિધિઓ તેજ બની છે. તો બીજી બાજુ માર્ચ એન્ડીંગમાં સુર્યનારાયણ પણ પોતાનો ટાર્ગેટ પુરો કરવાના ફિરાકમાં લાગે છે. નડિયાદ સહિત સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હાલ તાપમાન 40 ડિગ્રી વટાવી 41 ડીગ્રીએ પહોચી ચૂક્યું છે. આવી સ્થિતિમાં લોકોના હાલ બેહાલ થયા છે. તો બીજી બાજુ પવનની ગતિ પણ વધતા લૂ લાગે તેવો હાલ સર્જાયો છે.
ઉનાળામાં અસહ્ય ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે જરૂરી ઉપાયો કરવા
ખૂબ પાણી પીવું, સુતરાઉ કપડાં પહેરવા અને કામ વગર બહાર ન નીકળવું તેવુ તબીબો જણાવી રહ્યા છે સનસ્ટ્રોક અથવા લૂ લાગવાના કિસ્સામાં સમયસર સારવાર ના મળે તો આ બાબત જીવલેણ પણ સાબિત થઇ શકે છે. લૂ લાગવાથી ચક્કર આવવા, ગભરામણ થવી, હ્રદયનાં ધબકારા વધવા, શ્વાસ ચડવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ખુલ્લા વિસ્તારમાં મજૂરી કરતા લોકોમાં આ લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેથી ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા અને લૂ થી બચવા વધુમાં વધુ પાણી તથા લીંબુ શરબતનું સેવન કરવું તે વધુ હિતાવહ છે.
લૂ લાગવાના કિસ્સામાં ઘરગથ્થુ ઉપચારોથી દર્દીની તબિયતમાં સુધારો ન જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં આ અંગેની સારવાર લેવી જોઈએ.જિલ્લાવાસીઓ આકરા તાપનો સામનો કરી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત ટાણે જ જો આટલો તાપ હોય તો હજુ તો પૂરેપૂરો ઉનાળો બાકી છે આગામી દિવસોમાં આ તાપમાનનો પારો ઊંચે ચઢે તો નવાઈ નહીં.
અન્ય સમાચારો પણ છે…