દાહોદ: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે હવે તારીખ ૫મી ના રોજ જ્યારે મતદાન થવાનું છે ત્યારે તેમાં દાહોદ જિલ્લાની ૬ વિધાનસભા સીટો પણ આવેલી છે, જેમાં દાહોદ, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, દેવગઢ બારિયા અને ફતેપુરા સામેલ છે. ઉલ્લેખનિય છે કે દાહોદ જિલ્લાનું અસ્તિવત્વ 1997માં આવ્યું, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા. આ જિલ્લાનું નિર્માણ આદિવાસી વસ્તીના આધારે કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ભાજપે અહીં રેલ્વે એન્જિન બનાવવાની ફેક્ટરી બનાવવાની જાહેરાત કરી છે. સાથે જ દાહોદને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાની કડવી વાસ્તવિકતા એ છે કે અહીંના મોટા ભાગના લોકો રાજ્યના વિવિધ ભાગોમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે મજબૂર છે.
2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ-ત્રણ સીટો મળી હતી, પરંતુ આ વખતે AAP પણ મેદાનમાં હોવાથી મુકાબલો ત્રિકોણીય બન્યો છે.
૧) દાહોદ વિધાનસભા:
2017માં આ વિધાનસભા બેઠક કોંગ્રેસે જીતી હતી. વજેસિંગભાઈ પણ 15000 મતોથી જીત્યા હતા. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ તેમની ટિકિટ કાપીને હર્ષદ નિનામાને ઉમેદવાર બનાવ્યા છે. અહીં ભાજપે કનૈયાલાલ કિશોરીને અને આમ આદમી પાર્ટીએ ડો.દિનેશ મુનિયાને ટિકિટ આપી છે. આ સીટ પર મોટાભાગના મતદારો આદિવાસી છે, જેમની સંખ્યા 1,32,000ની આસપાસ છે. અહીં 25000 પટેલો છે અને OBCની સંખ્યા 18000 આસપાસ છે. 52 હજાર સામાન્ય મતદારો છે. આ બેઠક પર કોંગ્રેસે સૌથી વધુ વખત જીત નોંધાવી છે. આ વખતે રેલવે એન્જિન બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સિવાય રેલ્વેએ હવે રતલામને જંક્શન જાહેર કર્યું છે. ગત વર્ષે સરકારે અહીં વિકાસના અનેક પ્રોજેક્ટ જાહેર કર્યા છે અને તેના આધારે ભારતીય જનતા પાર્ટી અહીં જીતની આશા રાખીને બેઠી છે.
૨) લીમખેડા વિધાનસભા:
આ વિધાનસભા બેઠક એક પરિવારની પૈતૃક બેઠક બની ગઈ છે. એવું લાગે છે કે કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવનાર ભાજપે અહીં ભાભોર પરિવારની સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. એવું લાગે છે કે અહીં જશવંતસિંહ ભાભોરનો દબદબો છે અને આ વિધાનસભા બેઠક પર શિક્ષણ, આરોગ્ય અને સ્થળાંતર મુખ્ય સમસ્યાઓ છે. અહીંની ખેતી વરસાદ પર આધારિત છે. ભાભોર પરિવાર લાંબા સમયથી આ વિધાનસભા પર રાજ કરી રહ્યો છે. 2017માં જશવંત ભાભોરના નાના ભાઈ શૈલેષ ભાભોર આ બેઠક પર જીત્યા હતા. ભાજપે તેમને ફરી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે તરફથી રમેશ ગુડિયા અને નરેશ વારિયા AAP તરફથી ચૂંટણી મેદાનમાં છે. આ વખતે હરીફાઈ ત્રિકોણીય છે, પરંપરાગત બેઠક ભાભોર પરિવાર પાસે રહેશે, તેની શક્યતાઓ અકબંધ છે.
૩) ઝાલોદ વિધાનસભા: 2017માં આ બેઠક કોંગ્રેસના ભાવેશ કટારાએ જીતી હતી, જેઓ તાજેતરમાં જ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા છે. આ વખતે ભાજપે અહીં મહેશ ભુરિયાને ટિકિટ આપી છે. કોંગ્રેસે ડો.મિતેશ ગરાસિયા અને AAPને અનિલ ગરાસિયાને ટિકિટ આપી છે.
૪) દેવગઢ બારિયા વિધાનસભા:
ભાજપે અહીંથી બચુભાઈ ખાબડને રિપીટ કર્યા છે. AAPએ અહીં ભરતભાઈ વાખલાને ટિકિટ આપી છે. કોંગ્રેસે ગઠબંધન હેઠળ આ બેઠક NCPને આપી છે અને NCPના ઉમેદવારે ફોર્મ પરત ખેંચીને ભાજપને પોતાનું સમર્થન આપ્યું છે. જોકે, અહીં આમ આદમી પાર્ટીએ મજબૂત પ્રચાર કર્યો છે, કેજરીવાલ અને ભગવંત માન અહીં બે-ત્રણ વખત સભાઓ કરી ચૂક્યા છે. બેઠક પરની હરીફાઈ રસપ્રદ જોવા મળી શકે છે.
૫) ગરબાડા વિધાનસભા:
આ વિધાનસભા બેઠક પર જાતીગત સમીકરણ સૌથી વધુ અસરકારક છે. અહીં 2,15,000 આદિવાસી મતદારો છે. આ વિસ્તારમાં સિંચાઈની સમસ્યા એક મુખ્ય પ્રશ્ન છે. શિક્ષણની સ્થિતિ પણ સારી નથી. છેલ્લી 3 વિધાનસભાની ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયા જીતતા આવ્યા છે. આ વખતે પણ પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. ભાજપે મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપી છે. AAP પાર્ટીએ શૈલેષ ભાભોરને ટિકિટ આપી છે. તેથી જ આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. આદિવાસી બહુલ બેઠક હોવાને કારણે અહીં કોંગ્રેસની જીતની સંભાવનાઓ અકબંધ દેખાઈ રહી છે. કારણ કે વર્ચસ્વ ધરાવતી ભાભોર જાતિમાં મતોની વહેંચણી નિશ્ચિત છે, કારણ કે AAP અને ભાજપે પણ ભાભોર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
૬) ફતેપુર વિધાનસભા બેઠક
આ વિધાનસભા બેઠક પર પણ ત્રિપાંખિયો જંગ જામશે. કોંગ્રેસના બળવાખોર ગોવિંદ ડામોર અહીં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસે રઘુભાઈ મછારરને ટિકિટ આપી છે અને ભાજપે રમેશ કટારાને મેદાનમાં ઉતાર્યા છે. આ વિધાનસભા બેઠક પર આશરે 2,18,000 આદિવાસી મતદારો છે અને આ નિર્ણાયક પરિબળ છે. 2017માં ભાજપે આ વિધાનસભા સીટ 28 વોટથી જીતી હતી. આ વખતે અહીંના લોકો AAPના આકર્ષક વચનોથી પ્રભાવિત થઈને AAP તરફ આકર્ષિત થઈ શકે છે કે શું તે પણ જોવાનું રહેશે.
ટુંકમાં દાહોદની અંદર આદિવાસી નેતા કોણ બનશે તે તો ૮ મી ડિસેમ્બર ના રોજ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ખબર પડી જશે.
રિપોર્ટર: અક્ષયકુમાર પરમાર દાહોદ, ગુજરાત પહેરેદાર