વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુનિ.ના એન.વી.હોલ ખાતે બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં બંને એક બીજાને પટ્ટાથી માર મારતા નજરે પડી રહ્યા છે. ઘટના બાદ વોર્ડન સ્ટાફ અને વિજિલન્સની ટીમ પણ તાત્કાલિકલ દોડી આવી હતી અને બંને વિદ્યાર્થીઓને દૂર કરી નિવેદનો લેવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
મીડિયા અહેવાલ અનુસાર, બંને વિદ્યાર્થી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના એન.વી.હોલમાં રહે છે અને આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. વિકાસ ઝા અને પ્રહલાદસિંગ નામના બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો આ બનાવ બન્યો હતો, જે યુનિ.ના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જો કે મારામારી કયા કારણોસર થઈ તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, બંને વિદ્યાર્થીઓને વિઝિલયન્સની ટીમે ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરી હોવાનું સામે આવ્યું છે.
બંનેમાં એક જર્મન અને એક ફ્રેંચનો વિદ્યાર્થી
ઘટના સામે આવતા ચીફ વોર્ડન વિજય પરમારે જણાવ્યું હતું કે, બંને વિદ્યાર્થી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા મારામારી થઈ હતી. તેમાંથી એક જર્મન અને એક ફ્રેંચનો વિદ્યાર્થી છે. હાલમાં વિજિલન્સ હેડ આ બાબતે તપાસ કરી રહ્યા છે. સંપૂર્ણ પૂછપરછ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જો કે, આ ઘટના બાદ યુનિ.ની સિક્યોરિટી એજન્સી સામે પણ સવાલ ઊભા થયા છે.