આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી પણ છોડી દીધી હતી. તેમણે આ સાથે પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, સ્થાનિક નેતાઓને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી રહ્યા નથી.
મીડિયા અહેવાલ અનુસાર, તેમણે વધુમાં કહ્યું કે હાલ તેમની કોઈ અન્ય પાર્ટીમાં જોડાવાની યોજના નથી. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી નેતા, 50 વર્ષીય રાઠવાએ AAP ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવી અને પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
રાઠવા વર્ષ 2013માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમણે 2017 અને 2022માં ગુજરાતની છોટાઉદેપુર બેઠક પરથી AAPના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે મીડિયાને જણાવ્યું કે, ગુજરાતમાં પાર્ટીની બાબતો અંગે નિર્ણય લેતી વખતે તેમના જેવા સ્થાનિક નેતાઓને સામેલ કરવામાં આવતા નથી અને તેથી જ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
અહેવાલ અનુસાર, તેમણે આરોપ લગાવ્યો કે, નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્થાનિક નેતાઓને સામેલ ન કરવાને કારણે પાર્ટીને 2022 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, અમે ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 50 બેઠકો જીતવાની સ્થિતિમાં હતા. ગ્રાઉન્ડ લેવલ પર આયોજનના અભાવે અમે વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરી શક્યા નથી. ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં, AAPએ ગુજરાતમાં પ્રથમ વખત પાંચ બેઠકો જીતી હતી અને ભાજપ અને કોંગ્રેસ પછી રાજ્યમાં ત્રીજા સ્થાને આવી હતી.