હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લાએ નવી મુંબઈમાં હિન્દી દિવસ નિમિત્તે “મુંબઈ હિન્દી ભાષી સમાજ” દ્વારા યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વાગત સમારોહમાં જણાવ્યું કે મને સનાતની હિન્દુ હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું કે આપણે વિચારવું પડશે કે સનાતનની રક્ષા કેવી રીતે કરવી? સનાતન પર ટીપ્પણી કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં તેમણે કહ્યું કે લોકોને લાગે છે કે સનાતન વિશે કંઇક બોલીને મત મેળવી શકાય છે, તેથી જ કેટલાક લોકો આવું બોલી રહ્યા છે.
ઈંગ્લેન્ડના પીએમની યાદ અપાવી
તેમણે કહ્યું કે તાજેતરમાં હું રાયબરેલીમાં એક કાર્યક્રમમાં હતો, ત્યાં પણ મેં સનાતની હિંદુ હોવાનો ગર્વ હોવાની વાત કરી હતી. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના મૂલ્યો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આ દેશની સંસ્કૃતિએ દરેક માટે સુખની કલ્પના કરી છે. તેમણે કહ્યું કે વિકસિત રાષ્ટ્ર ઈંગ્લેન્ડના વડાપ્રધાન મંદિરમાં પ્રણામ કરે છે અને દેશના જ કેટલાક લોકો સનાતન પર સવાલો ઉઠાવે છે.
“હિન્દી ભારતને જોડે છે”
રાજ્યપાલે કહ્યું કે હિન્દી દેશની આકાંક્ષાનો મંત્ર છે. હિન્દી દેશનું બિંદુ છે. સ્વતંત્રતા ચળવળમાં તમામ ક્રાંતિકારીઓએ હિન્દીને બુલંદ કરી, તેથી હિન્દીને રાજભાષા એટલે કે કામકાજની ભાષા બનાવવામાં આવી છે. જે દેશોમાં અંગ્રેજી બોલાય છે ત્યાં હિન્દીનો બોલબાલા વધી રહી છે. તેમણે કહ્યું કે દેશનું વહીવટી, વૈજ્ઞાનિક અને ટેકનિકલ કામ હિન્દી ભાષામાં થાય તે જરૂરી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં હિન્દીની જે સ્થિતિ બની છે તે દુઃખદ છે. આપણે આપણી ભાષા બોલતા અચકાઈએ છીએ, પછી એ ભાષામાં કામ ક્યાંથી થાય.
તેમણે કહ્યું કે હિન્દી સામાજિક સમરસતાનો આધાર છે. હિન્દી ભારતને જોડે છે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. હિન્દી એ હિન્દુસ્તાનનું પ્રતીક છે, તેથી આ પ્રતીકને વધુ વિસ્તૃત અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમણે હિમાચલના પ્રવાસીઓને મહારાષ્ટ્ર અને હિમાચલને જોડવાનું માધ્યમ ગણાવ્યું હતું.