દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ બરોડા (BOB)એ તેના ગ્રાહકોને તહેવારોની સિઝનમાં વધુ નફો કમાવવાની તક આપી છે. વાસ્તવમાં, બેંકે તેની વિવિધ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના કાર્યકાળ પર વ્યાજદરમાં વધારો કર્યો છે. અગાઉ બેંક ઓફ બરોડાએ મે, 2023 અને માર્ચ, 2023માં રિટેલ ટર્મ ડિપોઝિટ પર વ્યાજદરમાં વધારો કર્યો હતો.
બેંકે વ્યાજદરમાં કર્યો આટલો વધારો!
મીડિયા અહેવાલ અનુસાર, બેંક ઓફ બરોડાએ 3 વર્ષ સુધીની વિવિધ મુદત માટે FD પરના વ્યાજદરોમાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps) સુધીનો વધારો કર્યો છે. બેંકે કહ્યું કે, આ નવા દરો 9 ઓક્ટોબર, 2023થી રૂ.2 કરોડથી ઓછીની FD પર લાગુ કરવામાં આવ્યા છે.
હવે ગ્રાહકો કેટલો મળશે વ્યાજ?
નવા દરો અમલમાં આવ્યા પછી, બેંક હવે તેના ગ્રાહકોને 2થી 3 વર્ષની FD પર મહત્તમ 7.25 ટકા વ્યાજ આપી રહી છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને સમાન સમયગાળા માટે 7.75 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. હાલના ગ્રાહકોને પણ વધેલા વ્યાજ દરોનો લાભ મળશે. ઉપરાંત, બેંકે તેની 399 દિવસની તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજદરોમાં પણ ફેરફાર કર્યાં છે.