ICC ODI વર્લ્ડ કપ 2023ની 10મી મેચ આજે લખનૌના એકાના સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પણ દક્ષિણ આફ્રિકાના અનુભવી અને તોફાની બેટ્સમેન ક્વિન્ટન ડી કોકના બેટે કમાલ કરી છે. તેણે આ વર્લ્ડ કપમાં સતત બીજી સદી ફટકારીને સૌને ચોંકાવી દીધા છે.
ક્વિન્ટન ડી કોકે 90 બોલમાં ફટકારી સદી
દક્ષિણ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં શ્રીલંકા સામે સદી ફટકારી હતી ત્યારે હવે તેણે ઓસ્ટ્રેલિયા સામે પોતાનું શાનદાર પ્રદર્શન કરીને 90 બોલમાં સદી ફટકારી હતી. તેણે 8 ચોગ્ગા અને 5 છગ્ગાના મદદથી 106 બોલમાં 109 રન બનાવ્યા છે. તે ગ્લેન મેક્સવેલની બોલિંગ પર આઉટ થયો હતો.
આ સદી સાથે તેણે એક ખાસ રેકોર્ડમાં દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સની બરાબરી પણ કરી લીધી છે. એબીડીએ 2011 વર્લ્ડ કપમાં સતત 2 સદી ફટકારી હતી. આ પછી હવે ક્વિન્ટને આ સિદ્ધિ મેળવી છે. આ સિવાય વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાના નામે છે. તેણે 2015ના વર્લ્ડ કપમાં સતત 4 સદી ફટકારી હતી. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 2019 વર્લ્ડ કપમાં સતત 3 સદી ફટકારી હતી.
દક્ષિણ આફ્રિકાનો સ્કોર
દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ 428 રન બનાવ્યા હતા. હવે આ મેચમાં પણ ટેમ્બા બાવુમાની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. આ લખાય ત્યાં સુધી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 44 ઓવરમાં 5 વિકેટે 267 રન છે.