આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. જો કે, ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ડેન્ગ્યૂ થવાથી તે બીમાર પડી જતા પ્રથમ બે મેચ રમી શક્યો નહોતો. છેલ્લા 1 વર્ષથી શુભમન ગિલ મેદાનમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. પંરતુ, હવે તે બીમાર હોવાના કારણે વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી શક્યો નહોતો. જો કે, હવે શુભમન ગિલને લઈ એક સારા સમાચાર આવ્યા છે.
હવે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવા જઈ રહ્યો છે. ત્યારે આ મેચ પહેલા બેટ્સમેન શુબમન ગિલ આજે નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે, જે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર છે. જો કે, તે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
નેટ્સમાં પાછો ફર્યો ગિલ
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સાથે એશિયા કપની બીજી મેચમાં શુભમને રોહિત શર્મા સાથે મળીને શાનદાર શરૂઆત કરી હતી અને પાકિસ્તાની બોલરોને બેક ફૂટ પર ધકેલી દીધા હતા. આવી સ્થિતિમાં જો ગિલ પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં વાપસી કરશે તો પાકિસ્તાની બોલરો પર વધારાનું દબાણ જોવા મળી શકે છે અને ભારતીય ટીમ પણ મજબૂત બની શકે છે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ શુભમનને ડેન્ગ્યુ થતા BCCIની મેડિકલ ટીમે તેને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો. સાવચેતીના પગલા તરીકે, તેને ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, બે દિવસમાં તેને રજા આપવામાં આવી હતી.