મંગળવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને પ્રશસ્તિપત્ર અને મેડલ અર્પણ કરશે. ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ દાદાસાહેબ ફાળકે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને આપવામાં આવશે.
અલ્લુ અર્જુન, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, કૃતિ સેનન, પંકજ ત્રિપાઠી, કરણ જોહર, વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, આર માધવન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે. વિજેતાઓની જાહેરાત 24 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવી હતી, જેમાં હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઘણા દિગ્ગજ કલાકારોને વિજેતાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માટે તમામ કલાકારો ગઈકાલે સાંજથી જ દિલ્હી આવવા લાગ્યા હતા. બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર અલ્લુ અર્જુન, RRR ડિરેક્ટર એસએસ રાજામૌલી અને મ્યુઝિક કમ્પોઝર એમએમ કીરાવાણી સોમવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનાર આલિયા ભટ્ટ મંગળવારે સવારે પતિ રણબીર કપૂર સાથે દિલ્હી પહોંચી હતી.
69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓ
જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનને ‘પુષ્પા’ માટે બેસ્ટ એક્ટર જ્યારે આલિયાને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે બેસ્ટ એક્ટ્રેસ જાહેર કરવામાં આવી હતી. આલિયા, કૃતિ સેનન સાથે એવોર્ડ શેર કરશે, જેને ‘મિમી’માં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.