કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOના ધારકો માટે દિવાળી પહેલા એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય શ્રમમંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2022-23 માટે શ્રમ મંત્રાલય PF સભ્યોને કુલ 8.15 ટકા વ્યાજ આપવા માટે કામ કરી રહ્યું છે. એટલું જ નહીં, કુલ 24 કરોડ ખાતામાં 8.15 ટકા વ્યાજની ક્રેડિટ પણ આપવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે EPFO વ્યાજ દરને લઈને સરકારના પગલાં યોગ્ય દિશામાં છે.
EPFO સ્થાપના દિવસ પર આપી માહિતી
જણાવી દઈએ કે, કેન્દ્રીય શ્રમ મંત્રીએ 71મા EPFO સ્થાપના દિવસ પર, ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય ભવિષ્ય નિધિની રકમ ગ્રાહકોના ખાતામાં યોગ્ય સમયે અને યોગ્ય વ્યાજ સાથે ટ્રાન્સફર કરવાનો છે. કેબિનેટ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2022-23માં કુલ પ્રોવિડન્ટ ફંડનું યોગદાન રૂ. 2.12 લાખ કરોડ રહ્યું છે, જ્યારે અગાઉના વર્ષ 2021-22માં આ રકમ રૂ. 1.69 લાખ કરોડ હતી. માહિતી અનુસાર, મંગળવારે એટલે કે 31મી ઓક્ટોબરે નવી દિલ્હીમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 234મી બેઠક યોજાઈ હતી, જેમાં બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે EPFOના વાર્ષિક અહેવાલને મંજૂરી આપી હતી અને તેને સંસદમાં રજૂ કરવા સરકારને ભલામણ કરી હતી.
EPFOનું કુલ રોકાણ ફંડ રૂ. 21.36 લાખ કરોડ
નાણાકીય વર્ષ 2022-23માં EPFOનું કુલ રોકાણ ફંડ રૂ. 21.36 લાખ કરોડ છે, જેમાં પેન્શન અને ભવિષ્ય નિધિ બંનેની રકમનો સમાવેશ થાય છે. ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2021-22માં આ રકમ રૂ 18.3 લાખ કરોડ હતી. જો કે કુલ રકમ પર નજર કરીએ તો 31 માર્ચ 2023ના રોજ તે રૂ. 13.04 લાખ કરોડ હતી અને ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો રૂ. 11 લાખ કરોડ હતો. નાણાકીય વર્ષ 2022-23માં કુલ રૂ. 2.03 લાખ કરોડનો ઉમેરો જોવા મળ્યો છે.