દેશમાં આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં ઉછાળો હોવા છતાં, બેરોજગારીનો દર ઓક્ટોબર-2023માં અંદાજે 2.5 વર્ષના માસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આમાં ગ્રામીણ વિસ્તારોએ મોટી ભૂમિકા ભજવી છે, જ્યાં એક મહિનામાં બેરોજગારી દરમાં 4.62 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના તાજેતરના ડેટા મુજબ, ઓક્ટોબરમાં અખિલ ભારતીય સ્તરે બેરોજગારીનો દર વધીને 10.05 ટકા થઈ ગયો છે. બેરોજગારી દરનો આ આંકડો મે, 2021 પછી સૌથી વધુ છે. સપ્ટેમ્બર, 2023માં આ દર 7.09 ટકા હતો.
ડેટા અનુસાર, ગયા મહિને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ઝડપથી વધીને 10.82 ટકા થયો હતો. જ્યારે ગ્રામીણ બેરોજગારીનો દર સપ્ટેમ્બરમાં 6.2 ટકા રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન શહેરી બેરોજગારી નજીવી રીતે ઘટીને 8.44 ટકા સુધી નોંધાઈ હતી. CMIEનો આ લેટેસ્ટ ડેટા 1.70 લાખથી વધુ પરિવારોના માસિક સરવે પર આધારિત છે.
વિકાસદર સૌથી ઝડપી, પરંતુ નોકરીઓ માટે અપૂર્તિ
CMIE અનુસાર, વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અનિશ્ચિતતાઓ વચ્ચે, વિવિધ સંકેતો દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર મજબૂત છે. સ્થાનિક જીડીપીની ગતિ 2023 અને 2024માં 6 ટકાથી વધુ રહેશે, જે વિશ્વની અન્ય મોટી અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં સૌથી ઝડપી છે. જો કે, આ ગતિ હજુ પણ લાખો લોકો માટે નોકરીઓ ઊભી કરવા માટે એટલી ઝડપી નથી. સંસ્થાના ડેટા દર્શાવે છે કે લગભગ 10 મિલિયન લોકોએ ઓક્ટોબરમાં નોકરીની બજારમાં પ્રવેશ કર્યો હતો અને કેટલાક કામ શોધવાની આશામાં હતા.
ગયા નાણાકીય વર્ષમાં બેરોજગારીનો દર 3.2 ટકા નોંધાયો હતો
સરકારે તાજેતરમાં ઓક્ટોબરમાં જાહેર કરેલા આંકડા અનુસાર, 2022-23માં દેશમાં બેરોજગારીનો દર 3.2 ટકા હતો. જો કે, સરકાર દેશવ્યાપી અને શહેરી બેરોજગારીના આંકડા દર ક્વાર્ટરમાં માત્ર એક જ વાર જાહેર કરે છે.