ગુજરાત: ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટેના આખરી દિવસો બાકી છે ત્યારે દરેક પાર્ટીના નેતાઓ ચૂંટણીમાં છવાઈ જવા નેતાઓ મર્યાદા વટાવી જતા હોય છે અને હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગેએ પણ પીએમ મોદી પર આપેલું નિવેદન ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડેગેએ કહ્યું કે પીએમ મોદી દરેક સમયે પોતાના વિશે વાતો કરે છે. દરેક મુદ્દા પર તેઓ કહે છે કે મોદીનો દેખાવ જોઇને વોટ આપો. લોકો તમારો ચહેરો કેટલી વાર જુએ. કાઉન્સિલરની ચૂંટણીમાં જુઓ તમારો ચહેરો, ધારાસભ્ય ચૂંટણી વિધાનસભામાં જુઓ તમારો ચહેરો, સાંસદ ચૂંટણી લોકસભામાં પણ તમારો ચહેરો જુઓ. દરેક જગ્યાએ તમારો ચહેરો જુઓ, તમારા કેટલા ચહેરા છે, શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે..?
ખડગેએ કહ્યું કે પીએમ મોદી કામ પર કંઇ બોલતા નથી. ભાજપમાં માત્ર જુમલા જ છે. આ જુમલા એવી રીતે બોલે છે કે જે જૂઠાણાંની ઉપર છે. તેઓ માત્ર જૂઠું બોલે છે. કહેવામાં આવ્યું હતું કે વાર્ષિક 2 કરોડ નોકરીઓ આપવામાં આવશે. ગુજરાતમાં કોઈને રોજગારી મળી? ખડગેએ કહ્યું કે પીએમ મોદીને ઉદ્ઘાટન કરવાની આદત છે. કોઇએ કંઇ પણ તૈયાર કર્યું હોય તો ચૂનો, કલર લગાવીને તેનું ઉદ્દઘાટન કરે છે.
એટલુજ નહિ પણ રવિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પ્રચાર કરવા આવેલા ખડેગેએ વડાપ્રધાન મોદીને જુઠ્ઠાણાના સરદાર ગણાવ્યા હતા. ખડગેએ કહ્યું કે મોદી પોતાને ગરીબ કહીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાની જાતને ગરીબ કહે છે, પણ હું તો અછૂત છું, મારી સાથે તો કોઈ ચા પણ પીતું નથી. જો તમે સહાનુભૂતિ મેળવવા માટે આવું કરશો તો. તો તમને જણાવી દઇએ કે લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે. તમે કેટલી વાર જૂઠું બોલશો? તમે જૂઠાણાના સરદાર છો.
ભાજપે ખડેગેના નિવેદન પર ચારેબાજુથી કોંગ્રેસને ભીંસમાં લીધી હતી. ભાજપના અમિત માલવીય, શહજાદ પુનાવાલા અને સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને તેમની કોમેન્ટને ફગાવી દીધી હતી. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ખડગેની ટીપ્પણીને અશોભનીય ગણાવતા કહ્યું કે ગુજરાતના પુત્ર માટે આવી ટીપ્પણી કરવી યોગ્ય નથી.
હવે 182 બેઠકો ધરાવતા ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે ત્યારે આવા નિવેદનોની અસર મતદાતા ઉપર કેટલી થશે તે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થાય ત્યારેજ ખબર પડશે પણ એટલું સત્ય છે કે અત્યાર સુધી જ્યારે જ્યારે પીએમ મોદી પર વિરોધ પક્ષે વિવાદસ્પદ નિવેદનો આપેલા છે ત્યારે ત્યારે તેનો સીધો ફાયદો ભાજપ ને થયેલો છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર