શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ તેની રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠને દેશની શાંતિ ડહોળવાની આશંકા દર્શાવીને વિરોધ પ્રદર્શન કરી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
મુસ્લિમ સંગઠને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી
ભોપાલમાં ઉલેમા બોર્ડના રાજ્ય પ્રમુખ કાઝી અનસ અલીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ફિલ્મ પઠાણમાં અશ્લીલતા પીરસવામાં આવી છે. ફિલ્મ દ્વારા ઈસ્લામનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે. તેણે એક નિવેદન જારી કરીને મુસ્લિમ સમુદાયને ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આ સાથે અનસ અલીએ સેન્સર બોર્ડ પાસે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
તેણે કહ્યું કે આ ફિલ્મ દેશની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેણે કહ્યું, ‘અમે આ ફિલ્મને રિલીઝ નહીં થવા દઈએ. માત્ર મધ્ય પ્રદેશમાં જ નહીં, સમગ્ર ભારતમાં તેને રિલીઝ થવા દેવામાં આવશે નહીં. મુસ્લિમ સમુદાયમાં પઠાણો ખૂબ જ આદરણીય માનવામાં આવે છે. આ ફિલ્મના કારણે સમગ્ર મુસ્લિમ સમાજની બદનામી થઈ છે. ફિલ્મનું નામ પઠાણ છે અને તેમાં મહિલાઓ અશ્લીલ ડાન્સ કરી રહી છે. ફિલ્મમાં પઠાણ સમુદાયને ખોટી રીતે બતાવવામાં આવ્યો છે.
શાહરૂખ ખાને પણ પોતાના રોલનું નામ બદલવું પડશે
સૈયદ અનસ અલીએ કહ્યું ફિલ્મના નિર્માતાઓએ નામ બદલવું જોઈએ. શાહરૂખ ખાને પણ પોતાના રોલનું નામ બદલવું પડશે. ત્યાર બાદ તમે જે ઈચ્છો તે કરો પણ અમે તેને ભારતમાં રિલીઝ થવા દઈશું નહીં. એફઆઈઆર દાખલ કર્યા બાદ અમે કાયદાકીય લડાઈ લડીશું. સૈયદ અનસ અલીએ એમ પણ કહ્યું હતું કે તેઓ સેન્સર બોર્ડનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરશે અને ફિલ્મને રિલીઝ ન થવા દેવાનો તમામ પ્રયાસ કરશે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ વાંધો ઉઠાવ્યો
પઠાણ ફિલ્મ બેશરમ રંગનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે કેસરી રંગના કપડા પહેર્યા છે. દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ગીતના કેટલાક દ્રશ્યોને લઈને મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ફિલ્મના નિર્દેશકને વાંધાજનક દ્રશ્યો હટાવવા માટે કહ્યું છે. ગૃહમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો આમ કરવામાં નિષ્ફળ જશે તો ફિલ્મની રિલીઝની પરવાનગી પર વિચાર કરવામાં આવશે.
દેશભરમાં કેટલાક વર્ગો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. નરોત્તમ મિશ્રાએ પણ બેશરમ રંગ ગીતને લઈને ફિલ્મના નિર્માતા અને નિર્દેશક પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે આ ફિલ્મ ખોટા ઈરાદાથી બનાવવામાં આવી છે. સાથે જ તેણે દીપિકા પાદુકોણને ટુકડે ટુકડે ગેંગની સમર્થક પણ ગણાવી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર પઠાણનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. ઘણા કલાકારો પણ ફિલ્મના બચાવમાં આગળ આવ્યા છે.