રાજ્યમાં ખેડૂતો માટે વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ચોમાસું ફરીથી સક્રીય થશે. આખો ઓગસ્ટ મહિનો વરસાદ વિના જ વિત્યો છે ત્યારે ખેડૂતોનો પાક પાણી વિના બળી રહ્યો છે. પાણી પાકને ન મળવાથી પાક મુરઝાવાની શક્યતા છે ત્યારે ફરીથી વરસાદી માહોલ જામશે.
વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. જન્માષ્ટમી બાદ 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસમાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય કે હળવો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ભરુચ, ડાંગ, નવસારી, નર્મદા, છોટા ઉદેપુર સહીતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઘણા સમયથી વરસાદી મહોલ જોવા નથી મળ્યો. ખાસ કરીને ચોમાસું જૂન મહિનામાં બેઠું હતું ત્યારે સતત એક મહિના સુધી વરસાદ પડ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા મુશ્કેલીઓ પણ ખેડૂતોની વધી છે.