ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે ભારત અને ચીને સૈન્ય અને રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીત જાળવી રાખી છે.
જણાવી દઈએ કે તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ 20 ડિસેમ્બરે ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 17મો રાઉન્ડ યોજાયો હતો. ડેપસાંગ અને ડેમચકમાંથી ચીની સેનાની પીછેહઠનો મુદ્દો આ વાતચીતનો મુખ્ય એજન્ડા હતો. જો કે આ વાતચીતમાં કોઈ નક્કર ઉકેલ મળ્યો ન હતો, પરંતુ બંને પક્ષો સંપર્કમાં રહીને ટૂંક સમયમાં ઉકેલ લાવવા સંમત થયા હતા.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં તવાંગમાં ચીની સૈન્યએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો અને ભારતીય સેનાએ તેમને ખદેડી કાઢયા હતા. આ મુદ્દે દેશની સંસદમાં પણ ઘણી બબાલ થઈ હતી અને વિપક્ષોએ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન પણ સાધ્યું હતું.