આરબીઆઈએ બુલેટિનમાં જણાવ્યું કે, આ વર્ષ 2023 હજુ પણ પડકારજનક વર્ષ સાબિત થશે. દેશ અને વિશ્વની કેન્દ્રીય બેંકો માટે પડકારરૂપ વૈશ્વિક આર્થિક વાતાવરણને જોતા એવું લાગે છે કે, આ વર્ષ ઘણી આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ધીમી પડશે વૈશ્વિક વૃદ્ધિ
આ બુલેટિન દર મહિને આરબીઆઈ (RBI) દ્વારા જારી કરવામાં આવે છે. આરબીઆઈ (RBI) એ જણાવ્યું હતું કે, જો વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડે તો શું કરવું તે શોધવામાં વિશ્વની કેન્દ્રીય બેંકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો ફુગાવો ઊંચો રહેશે તો તેમની સૌથી મોટી આશંકા સાચી પડશે.
વૈશ્વિક અર્થતંત્રને પડશે ફટકો
આરબીઆઈ (RBI) એ તેના મંથલી બુલેટિનમાં ભારત અને વિદેશમાં આર્થિક વિકાસ વિશે માહિતી આપી છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, અનેક આંચકાઓ બાદ વૈશ્વિક અર્થતંત્રમાં વર્ષ 2023 દરમિયાન આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. તાજેતરમાં કોરોના મહામારી (Corona Pandemic) ના નિયંત્રણો હળવા કર્યા પછી બજારમાં તેજી જોવા મળી છે. જ્યારે મોંઘવારી ઘટાડવા માટે આરબીઆઈએ ઘણાં નક્કર પગલાં લીધાં છે. તેના પછી કેટલીક બેંકોએ તેમના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
આટલી રહેશે જીડીપી
જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (International Monetary Fund’s) એ નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 માટે ભારત માટે તેની જીડીપી વૃદ્ધિ અનુમાન અનુક્રમે 6.8 ટકા અને 6.1 ટકા જાળવી રાખ્યું છે. IMF કહે છે કે, ભારતમાં જીડીપી વૃદ્ધિ દર 2022-23માં 6.8 ટકાથી ઘટીને 2023-24માં 6.1 ટકા થઈ જશે તે પહેલાં 2024-25માં 6.8 ટકા સુધી પહોંચશે.
રેપો રેટમાં થયો વધારો
એપ્રિલ 2022માં દેશમાં છૂટક મોંઘવારી દર 7.79 ટકા પર પહોંચી ગયો હતો, ત્યારબાદ આરબીઆઈ (RBI) એ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે નાણાકીય નીતિની બેઠકમાં છઠ્ઠી વખત રેપો રેટમાં વધારો કર્યો હતો. આરબીઆઈ (RBI) એ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે લોન મોંઘી થઈ છે. જેના કારણે લોકોની EMI મોંઘી થઈ ગઈ છે. એવી અપેક્ષા છે કે, મોંઘી લોન મેળવવાની પ્રક્રિયા હવે બંધ થઈ જશે.