નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વણારસી ગામમાં કાળઝાળ ઉનાળા દરમિયાન ગામજનોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં પાણી ન પહોંચતા ગામની મહિલાઓ 1 કિમી દૂરથી પાણી લાવવા મજબૂર થઈ છે. સરકારની નલ સે જલ યોજના હેઠળ અહીં નળ તો લગાવવામાં આવ્યા છે પરંતુ એ નળમાં પાણીનું એક ટીપું પણ આવતું નથી.
બીજી તરફ વણારસી વિસ્તારમાં સરકારી યોજના હેઠળ જે પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. તે પણ ખાલીખમ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ભર ઉનાળે પાણીની અછતના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગામથી એક કિમી દૂર માથે બેડા લઈ પાણી ભરવા જવા મહિલાઓ મજબૂર બની છે. વિવિધ યોજના હેઠળ સરકારના ખર્ચેલા લાખો રૂપિયા હાલ તો નિષ્ફળ સાબિત થઇ રહેલા નજરે પડે છે. સ્થાનિક તંત્રની બેદરકારી સામે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગામજનોનો આરોપ છે કે ગામમાં પાણીની સમસ્યા અંગે સંબંધિત વિભાગ અને ઉચ્ચ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવતો નથી. ગામમાં મુકેલ નળ પણ પાણી વિના જર્જરિત હાલતમાં પડી રહ્યાં છે. લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા પાણીની સુવિધા જલદી ઉપલબ્ધ કરાવાય એવી માગ કરાઈ રહી છે.